Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

હવે CA હેરાફેરી કરી નહિ શકેઃ નવી ઓથોરીટીની થશે રચના

કેન્દ્ર સરકાર ગેરકાનૂની ગતિવિધિઓ ઉપર લગામ મુકવા માટે એનએફઆરએની રચનાની તૈયારીમાં: બેનામી કંપનીઓને મદદ કરતા સીએની આર્થિક દંડની સાથે પ્રેકટીસ ઉપર પણ રોક લાગશેઃ સરકારની આવક પણ વધશે

નવી દિલ્હી તા.ર૮ : કંપનીઓના લેખાજોખામાં હેરાફેરીમાં કરવાવાળા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઉપર સિકંજો કસવા માટે કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય નાણાકીય રિપોર્ટીંગ ઓથોરીટી (એનએફઆરએ)ની રચના કરવાની તૈયારીમાં છે. બેનામી કંપનીઓની મદદ કરવાવાળા સીએ પર લગામ મુકવા માટે કોર્પોરેટ મંત્રાલય નવા વર્ષે આની રચનાનું જાહેરનામુ બહાર પાડશે.

આ ઓથોરીટીને ગેરકાનૂની ગતિવિધિ પર દંડ ફટકારવા અને કાર્ય ઉપર રોક લગાવવાના અધિકાર હશે. પીએમઓ દ્વારા બેનામી કંપનીઓ વિરૂધ્ધ કાર્યવાહી માટે રચવામાં આવેલ કાર્યદળે કંપની એકટ ર૦૧૩માં સામેલ એનએફઆરએને કાયદેસરનું બનાવવા ભલામણ કરી હતી. મહેસુલ સચિવ હસમુખ અઢીયા આ કાર્યદળના વડા છે. કોર્પોરેટ મંત્રાલય અને કાર્યદળની વચ્ચે હાલમાં યોજાયેલી બેઠકમાં ઓથોરીટીનું જાહેરનામુ બહાર પાડવા નિર્ણય લેવાયો હતો.

કાર્યદળ દ્વારા બેઠકમાં જણાવાયુ હતુ કે, સીએની વ્યવસાયિક અનિયમિતતા તથા છેતરપીંડીથી નિપટવામાં વર્તમાન કાયદો સક્ષમ નથી. કાયદા પર ફેરવિચારણા કરીઅસરકારક વ્યવસ્થા લાગુ કરવી જોઇએ જેનાથી તેઓની વિરૂધ્ધ દિવાની અને અપરાધિક કાનૂન હેઠળ કાર્યવાહી થઇ શકે. આ બેઠકમાં સામેલ મંત્રાલયના સચિવે સુચન કર્યુ હતુ કે, સીએને નિપટવા માટે એનએફઆરએ લાગુ કરવામાં આવે.

નવા નિયમ લાગુ થયા બાદ એવા પ્રોફેશનલોની મુશ્કેલી વધી જશે જેઓ અનિયમિત અને ગેરકાનૂની રીતે કામ કરી રહ્યા છે. ઓથોરીટી સમન્સ જારી કરવાની સાથોસાથ તપાસના આદેશ, આર્થિક દંડ અને છ મહિનાથી ૧૦ મહિના સુધી પ્રેકટીસ પર મનાઇ પણ લગાવી શકશે. કોઇ વ્યકિતગત મામલામાં ઓથોરીટી એક લાખથી લઇને ફીની પાંચ ગણી રકમનો દંડ કરી શકે છે. આ જ રીતે ફર્મના મામલામાં તે ઓછામાં ઓછા ૧૦ લાખ રૂપિયા અને વધુમાં વધુ ફીના ૧૦ ટકા રકમ સુધીનો દંડ ઠોકી શકશે. આનાથી કરવેરામાં હેરાફેરી નહી થઇ શકે જેની સીધી અસર આવક ઉપર થશે અને રાજયો વિકાસ કાર્યો માટે તે રકમ વાપરી શકશે. (૩-૬)

 

(10:58 am IST)