Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

ભારતમાં કોરોના વેક્સિન વર્ષના અંત સુધીમાં આવશે

બે મહિનાની અંદર રસીની કિંમતની જાહેરાત થશે : ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની સાથે કરાયેલી ભાગીદારીમાં હજારથી વધુ દર્દી પર ટ્રાયલ કરવામાં આવ્યા

પૂણે, તા. ૧૦ : પૂણે સ્થિત સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અદુર પુનાવાલાએ કહ્યું છે કે કોરોના વેક્સિન વર્ષના અંત સુધીમાં ભારતમાં આવી જશે અને આવનારા બે મહિનામાં એન્ટી વાયરસ ડોઝની બજાર કિંમત શું હશે તેની જાહેરાત કરવામાં આવશે.

સિરમ ઈન્સ્ટીટ્યુટે એસ્ટ્રાઝએનેકા સાથે એગ્રીમેન્ટ કર્યા છે. તેમની સાથે ઓક્સફોર્ડ યુનિવર્સિટી પણ જોડાયેલી છે. ત્રણેએ સાથે મળીને કોરોનાની વેક્સિન વિકસાવી છે જેનાં પરિણામો સારાં મળ્યાં છે. અમે વર્ષના અંત સુધીમાં વેક્સન શોધી કાઢીશું. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ સાથેની પાર્ટનરશીપમાં અમે હજારેક પેશન્ટ પર ટ્રાયલ કર્યા છે, તેમ પુનાવાલાએ એક ટીવી ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું. તેમણે કહ્યું કે, બે મહિના પછી રસીનો બજાર ભાવ શું હશે તેની જાહેરાત કરાશે. પૂનાવાલાએ કહ્યું હતું કે, ઓગસ્ટના અંત સુધીમાં પૂણે અને મુંબઈમાં ચારથી પાંચ હજાર લોકોને રસી આપવામાં આવશે. તેમણે કહ્યું કે, વર્ષના અંત સુધીમાં ત્રણથી ચાર કરોડ ડોઝનું ઉત્પાદન કંપની કરશે. સિરમ ઈન્સ્ટીટ્યુટે બિલ અમે મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન અમે ગાવી સાથે પણ વેક્સિન એલાયન્સ માટે એક સંધિ કરી છે. એક અંદાજ પ્રમાણે કોરોનાની રસી ભારતમાં રૂપિયા ૨૫૦ના ભાવે ઉપલબ્ધ થઈ શકે છે.

(12:00 am IST)