Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ચેનાબ નદી પર રૂ. ૧૧૦૦ કરોડના ખર્ચે એફિલ ટાવરથી પણ ઇંચો બ્રિજ બનાવશે

કેન્દ્ર સરકાર જમ્મુ અને કાશ્મીરમાં

નવીદિલ્હી,તા.૧૪: ભારતમાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવી છે. ગુજરાતમાં સરદાર પટેલની આ પ્રતિમા દુનિયાભરમાં પોતાની ઊંચાઈના કારણે ખુબ ચર્ચામાં છે. હવે ભારત દુનિયાનો સૌથી ઊંચો રેલવે બ્રિજ બનાવી રહ્યો છે. આ બ્રિજ જમ્મુ અને કાશ્મીરમાં ચેનાબ નદી પર બનાવવામાં આવી રહ્યો છે. લાંબા સમયથી આ બ્રિજને બનાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. પરંતુ હવે તેણે આકાર લેવાનો શરૂ કરી દીધો છે. આ બ્રિજ પોતાની ડિઝાઈન અને આકારના કારણે ખુબ ચર્ચામાં છે.

જમ્મુના રિઆસી જિલ્લામાં ચેનાબ નદી પર આ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. દુનિયાના આઠ અજુબાઓમાં સામેલ એફિલ ટાવરથી પણ તે ઊંચો હશે. એફિલ ટાવરથી આ બ્રિજ ૩૫ મીટર ઊંચો હશે. તેની કુલ લંબાઈ ૧.૩ કિમી હશે. કહેવાય છે કે આ બ્રિજ બન્યા બાદ ઘાટીમાં વિકાસના નવા રસ્તા ખુલશે.

આ પુલ કટરા અને બનિહાલ વચ્ચે ૧૧૧ કિમીને જોડશે. ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક પરિયોજનાનો તે ભાગ છે. અધિકારીઓના જણાવ્યાં મુજબ 'આ પુલનું નિર્માણ કાશ્મીર રેલ લિંક પરિયોજનાનો સૌથી પડકારજનક ભાગ છે અને પૂરો થશે ત્યારે તે એન્જિનિયરિંગનો એક અજુબો ગણાશે.'

દુર્ગમ વિસ્તારમાં લગભગ ૧૧૦૦ કરોડ  રૂપિયાના ખર્ચે બની રહેલા આ અર્ધચંદ્રાકાર પુલના નિર્માણમાં ૨૪૦૦૦ ટન સ્ટીલનો ઉપયોગ થશે. પુલ નદીની સપાટીથી ૩૫૯ મીટર ઊંચો હશે. આ પુલ કિલોમીટરના પ્રતિ કલાકથી ફૂંકાતી હવાને પણ સહન કરી શકશે. ૧.૩૧૫ કિમી લાંબો આ પુલ એન્જિનિયરિંગનો એક અદભૂત નમૂનો બનશે અને તે બક્કલ કટરા અને શ્રીનગરના કૌડીને જોડશે.

આ પુલનું નિર્માણ ૨૦૧૯માં પૂરું થવાની આશા છે. તેના બન્યા બાદ વિસ્તારમાં પર્યટકોમાં એક આકર્ષણ ઊભું થશે. નિરીક્ષણના હેતુસર આ પુલમાં એક રોપવે હશે. આ પુલનું નિર્માણ કાર્ય પૂરું થયા બાદ બેઈપેન નદી પર ચીને બનાવેલા શુઈબાઈ રેલવે પુલ (૨૭૫ મીટર)નો રેકોર્ડ પણ તૂટશે.

(4:12 pm IST)