Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

રાફેલ ડીલ : સુપ્રિમ કોર્ટે કહ્યું... કિંમત અંગે હાલ કોઇ ચર્ચા નહિ

સર્વોચ્ચ અદાલતે કોંગ્રેસ સહિતના વિપક્ષને આપ્યો આંચકો : કોર્ટની સ્પષ્ટ વાત... અમારું ધ્યાન ફકત પ્રોસીજર ઉપર કેન્દ્રીત છે : સરકારે કહ્યું કે, રાફેલની કિંમતનો ખુલાસો થવાની દુશ્મનને વિમાનની ખાસિયતની જાણ થઇ શકે છે

નવી દિલ્હી તા. ૧૪ : સુપ્રીમ કોર્ટમાં ફ્રાન્સ પાસેથી ૩૬ રાફેલ લડાકુ વિમાન ખરીદવાના મામલે આજે મહત્વની સુનાવણી ચાલી રહી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ, જસ્ટિસ એસ.કે.કૌલ અને જસ્ટિસ કે.એમ.જોસેફની બેંચની સામે સરકારી અને કરારની તપાસની માંગ કરી રહેતા અરજીકર્તાઓના વકીલો વચ્ચે તીખી ચર્ચા ચાલુ રહી છે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રએ કિંમતની જે માહિતી સીલબંધ કવરમાં સુપ્રીમ કોર્ટને સોંપી છે, કોર્ટ આજે તેની પણ તપાસ કરશે. કોર્ટે હાલમાં ૨ વાગ્યા સુધી સુનાવણી ટાળી દીધી છે.

સુપ્રીમ કોર્ટે અરજીકર્તાઓની દલીલો સાંભળ્યા બાદ એક મહત્વનો આદેશ આપ્યો. કોર્ટે કહ્યું કે, આ સંપૂર્ણ મામલે ભારતીય વાયુસેનાનો પક્ષ પણ સાંભળવાની જરૂરીયાત છે. સીજેઆઇ રંજન ગોગોઇએ એજી કે.કે.વેણુગોપાલને પૂછયું કે શું કોર્ટમાં એરફોર્સનો પણ કોઇ ઓફિસર હાજર છે જે તેની સાથે જોડાયેલા મામલા અંગે જવાબ આપી શકે કારણ કે અમે બધા એરફોર્સ સાથે જોડાયેલા મુદ્દા પર જ ચર્ચા કરી રહ્યા છે. આ મુદ્દે અમે એરફોર્સને પણ કેટલાક પ્રશ્નો કરવા માંગીએ છીએ. ત્યારબાદ એજીએ કહ્યું કે, વાયુસેના ઓફિસ કોર્ટમાં જલ્દી આવશે.

સુનાવણી દરમિયાન એજીએ કહ્યું કે, આ મામલો એટલા પ્રમાણમાં ગોપનીય છે કે સુપ્રીમ કોર્ટમાં દાખેલ કરેલા સીલબંધ કવર મેં પણ જોયું છે ત્યારબાદ સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રાફેલની કિંમત વિશે અરજીકર્તાઓને હાલમાં કોઇ જાણકારી આપવામાં આવે નહી. જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ મંજુરી આપશે નહિ ત્યાં સુધી ચર્ચા પણ થવી જોઇએ નહિ.

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન અરજીકર્તાઓના વકીલ પ્રશાંત ભૂષણ માટે તે સમયે થોડી અસહજ સ્થિતિ પેદા થઇ છે. જ્યારે ચીફ જસ્ટિસ ગોગોઇએ એક નોટમાં આપેલા તથ્યો અંગે તેને ટોકવામાં આવ્યા. પ્રશાંત ભૂષણ સરકાર પાસે રાફેલની કિંમતોની ખુલાસો કરવાની માંગ કરી રહ્યા હતા.  પ્રશાંત ભૂષણની એક દલીલ પર સુપ્રીમ કોર્ટે તેને સખ્ત વલણમાં કહ્યું કે, જેટલું કેસ માટે જરૂરી છે, તેટલા પ્રમાણમાં જ બોલવામાં આવે.

રાફેલની સુનાવણી શરૂ થતાં જ સરકારે સુપ્રીમમાં કહ્યું કે, આ મામલો એકસપર્ટનો છે. કોર્ટે તેને ડીલ કરવી જોઇએ નહિ. સરકારે સુપ્રિમમાં કહ્યું, કિંમતનો ખુલાસો કરવાથી દુશ્મનને વિમાનની ખાસિયતો અંગેની માહિતીની જાણ થશે. તેથી કિંમતનો ખુલાસો કરવામાં આવ્યો નથી.

શૌરીએ સુપ્રીમમાં દલીલ આપી કે અમારે આ મામલે વિમાનોની કિંમતથી આગળ વધવું જોઇએ. આ દેશની સુરક્ષા સાથે કરાર છે કારણ કે એરક્રાફટની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે.

(3:26 pm IST)