Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

રાજ્‍યના ૩૦ લાખ લોકો ડાયાબિટીસનો શિકાર : યુવાનોમાં વધ્‍યું આ રોગનું પ્રમાણ

૨૦ વર્ષથી વધુ ઉંમરના લોકોમાં વધ્‍યું પ્રમાણ : ૧૯૯૦થી ૨૦૧૬ વચ્‍ચે ૧૩૨% વધારો નોંધાયો : ખાવાપીવાની જૂની પદ્ધતિમાં થયેલા ધરખમ ફેરફારો : વધારે એનર્જી, ઓછા પોષકતત્‍વો અને વધારે કાર્બોહાઈડ્રેટયુક્‍ત ડાયટ, શારીરિક શ્રમ વિનાનું એટલે કે બેઠા-બેઠા કરવાનું કામ તેમજ કસરતનો અભાવ ડાયાબિટીસમાં સપડાવવાના કારણો છે

નવી દિલ્‍હી તા. ૧૪ : વધારે પડતું ગળ્‍યું ખાવાની આદત અને શરીરમાં એકત્ર થઈ રહેલી ચરબી તમને ટાઈટ-૨ ડાયાબિટીસ તરફ ધકેલી રહી છે. જો સમયસર સ્‍વાસ્‍થ્‍ય પ્રત્‍યે ધ્‍યાન નહીં આપો તો ભવિષ્‍યમાં સ્‍વાસ્‍થ્‍ય પર અસર થઈ શકે છે. લેન્‍સન્‍ટ સ્‍ટડીના તાજેતરના રિપોર્ટ ‘બર્ડન ઓફ ડાયાબિટીસ એન્‍ડ વેરિએશન અમંગ ઈન્‍ડિયન સ્‍ટેટ્‍સ' પ્રમાણે ગુજરાતમાં આશરે ૩૦ લાખ (૩ મિલિયન) ગુજરાતીઓ ડાયાબિટીસથી પીડાય છે. ૧૯૯૦થી ૨૦૧૬ સુધીમાં રાજયમાં ડાયાબિટીસના દર્દીઓમાં ૮૯%નો વધારો થયો છે. ૨૦૧૬માં રાજયમાં દર એક લાખની વસ્‍તીમાંથી ૭૨૯ વ્‍યક્‍તિઓમાં ડાયાબિટીસ જોવા મળ્‍યો.

૨૦ વર્ષ કે તેનાથી વધુ ઉંમરના ડાયાબિટીસના દર્દીઓમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. ૧૯૯૦માં દર ૧૦૦માંથી ૪.૮ વ્‍યક્‍તિઓએ ડાયાબિટીસનો શિકાર હતા જે ૨૦૧૬માં વધીને ૬.૮ વ્‍યક્‍તિઓ થયા છે. સ્‍ટડી પ્રમાણે, ગુજરાતમાં ડાયાબિટીસનું પ્રમાણ વધવાનું મહત્‍વનું કારણ છે ઊંચો BMI (બોડી માસ ઈન્‍ડેક્‍સ). જો વધુ વજન ધરાવતા લોકોની સંખ્‍યા ઓછી થાય તો આ આંકડો ઘટી શકે છે તેવો દાવો સ્‍ટડીમાં કરાયો છે.

લેન્‍સન્‍ટ સ્‍ટડીમાં દાવો કરવામાં આવ્‍યો છે કે, ગુજરાતમાં ૨૦ વર્ષથી વધુ ઉંમરના સ્‍થૂળ વ્‍યક્‍તિઓની સંખ્‍યામાં ૧૯૯૦થી ૨૦૧૬ વચ્‍ચે ૧૩૨%નો વધારો થયો છે. ૨૦ વર્ષથી ઉપરના વધુ વજન ધરાવતા પુરુષો ૧૪૯% વધ્‍યા છે જયારે મહિલાઓમાં આ આંકડો ૧૨૧% વધ્‍યો છે. આ ચોંકાવનારા આંકડાને NPCDCS (નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્‍શન એન્‍ડ કંટ્રોલ ઓફ કેન્‍સર, ડાયાબિટીસ, કાર્ડિયોવેસ્‍ક્‍યુલર ડિસીઝ અને સ્‍ટ્રોક) હેઠળ ૨૦૧૭માં ગુજરાત સરકારે બહાર પાડેલો રેકોર્ડ ટેકો આપે છે. સરકારે ૩૨.૨૩ લાખ લોકો પર કરેલા સર્વેમાં બહાર આવ્‍યું કે, રાજયના ૨.૧૧ લાખ લોકો ડાયાબિટીસ અને ૨.૩૭ લાખ લોકો હાઈપરટેન્‍શનથી પીડાય છે.

લેન્‍સેટ સ્‍ટડી પ્રમાણે, ડાયાબિટીસના કેસ વધવાનું કારણ છે ખાવાપીવાની જૂની પદ્ધતિમાં થયેલા ધરખમ ફેરફારો. વધારે એનર્જી, ઓછા પોષકતત્‍વો અને વધારે કાર્બોહાઈડ્રેટયુક્‍ત ડાયટ, શારીરિક શ્રમ વિનાનું એટલે કે બેઠા-બેઠા કરવાનું કામ તેમજ કસરતનો અભાવ ડાયાબિટીસમાં સપડાવવાના કારણો છે. રાજયના એક સીનિયર હેલ્‍થ ઓફિસરે કહ્યું કે, ‘ડાયાબિટીસની દવાઓ પાછળ થતો ખર્ચો વધારે હોય છે. ઈન્‍સ્‍યુલિનના ઈંજેક્‍શન અને બાકીની દવા પાછળ થતો ખર્ચો એક મધ્‍યમવર્ગીય પરિવારની અડધી કમાણી ખાઈ જાય છે.'

ડાયાબિટોલોજિસ્‍ટ ડો. મયૂર પટેલે જણાવ્‍યું કે, ‘દરરોજ શારીરિક શ્રમ કરવામાં આવે સાથે જ હેલ્‍ધી અને સમતોલ આહાર લેવામાં આવે તો ડાયાબિટીસ થતો અટકાવી શકાય છે. પરિવાર પણ ડાયાબિટીસ થતો અટકાવવામાં મદદ કરી શકે છે, જો તેમને આ વિશે યોગ્‍ય જ્ઞાન હોય તો.'

(12:55 pm IST)