Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

સ્કૂટરમાં સીએનજી કીટ મંજૂર : ખર્ચવા પડે ૧૫૦૦૦ રૂ.

૪૪ રૂપિયામાં ૮૦ કિલોમીટર સુધીનો પ્રવાસ કરી શકાશે

નવી દિલ્હી તા. ૧૪ : જો તમે પેટ્રોલના ભાવથી હેરાન છો અને તમને તમારુ બાઈક ચલાવવું મોંઘુ પડી રહ્યું છે તો આપના માટે રાહતના સમાચાર છે. તમે હવે તમારા સ્કૂટરમાં સીએનજી કીટ લગાવી શકો છો. આનાથી ૪૪ રૂપિયામાં ૮૦ કિલોમીટર સુધીનો પ્રવાસ કરી શકાશે. સીએનજી કિટ માટે ૧૫ હજાર રૂપિયા ખર્ચ કરવા પડશે. સીએનજી સાથે જ સ્કૂટરને પેટ્રોલ ફયૂલમાં પણ ચલાવી શકાશે. આના માટે સ્કૂટરમાં એક સ્વીચ બટન હશે.

સ્કૂટરમાં સીએનજી કીટ લગાવવાનું કામ Lovato દ્વારા કરવામાં આવે છે. સ્કૂટરમાં પણ હોન્ડા એકિટવામાં આનું ટેસ્ટિંગ સફળ રહ્યું છે. આ એક ઓફટર માર્કેટ ફિટિંગ છે. કંપની દ્વારા આ પ્રકારની ઘણી સીએનજી કીટ લગાવવામાં આવી રહી છે. આ સીએનજી કિટને લગાવવાની મંજૂરી ભારત સરકાર દ્વારા આપવામાં આવી છે. સાથે જ આને ઓટોમોટિવ રિસર્ચ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા પ્રમાણિત પણ કરવામાં આવ્યું છે. આ કિટનું વેચાણ મહાનગર ગેસ દ્વારા કરવામાં આવે છે.

જો તમારે પણ સીએનજી કીટ લગાવવી હોય તો સૌથી પહેલા MGL Connect એપ્લીકેશન ડાઉનલોડ કરવાની રહેશે અને ત્યાર બાદ આ એપ પર સીએનજી સ્ટેશન, સીએનજી કિટ ફિટિંગ સ્ટેશન સહિત ઘણા પ્રકારની જાણકારી પ્રાપ્ત થશે. અહીંયાથી સીએનજી લગાવનારા નજીકના ડીલર વિશે પણ માહિતી પ્રાપ્ત કરી શકાશે.

સીએનજી કિટ લાગવાથી સ્કૂટરમાં કોઈપણ પ્રકારનો બદલાવ નહી આવે અને સ્કૂટર અલગ પણ નહી દેખાય. સ્કૂટરના રેગ્યુલર કલર પર સીએનજીનું ગ્રીન સ્ટીકર લગાવવામાં આવશે. સીએનજી કીટને સીટની નીચે સ્પેસ બોકસમાં ફિટ કરવામાં આવે છે. આમાં બે નાના ટેન્ક હોય છે જેમાં ૨ કિલોગ્રામ સીએનજી આવે છે.

સીએનજી સ્કૂટરથી કુલ ૧૬૦ કિલોમીટર સુધી ફરી શકાય છે. જો તમે શહેરી રાઈડર છો અને રોજનું ૨૫ થી ૩૦ કિલોમીટર ડ્રાઈવ કરવાનું હોય છે તો તમારે ત્રણથી ચાર દિવસમાં સીએનજી ભરાવવો પડશે.

(10:51 am IST)