Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

પ૨૪ નોકરો અને ૮૦ કાર ધરાવતા પીએમ હાઉસમાં નહિ રહે ઇમરાનઃ નાના ઘરમાં રહેશે

ત્રણ બેડરૂમવાળા ઘરમાં રહેશેઃ ૨ કાર રાખશે

ઇસ્લામાબાદ, તા.૨૦: પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને રવિવારે કહ્યું હતું કે, વડાપ્રધાન આવાસમાં નહીં, પરંતુ સેના સચિવના ત્રણ બેડરૂમવાળા ઘરમાં રહેશે. ખાને રાષ્ટ્રજોગ પોતાના પહેલા સંબોધનમાં દેશના ખર્ચાની સાથે જ પોતાના ઉપર થઇ રહેલા ખર્ચામાં ઘટાડો લાવવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે, તેઓ બાનીગાલામાં પોતાના ઘરમાં રહેવા ઇચ્છે છે. પરંતુ સુરક્ષા એજન્સીઓના જણાવ્યા પ્રમાણે તેમના જીવને ખતરો હોવાથી અહીં રહેવું પડશે.

ખાને વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન આવાસમાં ૫૨૪ નોકરો અને ૮૦ કાર છે. વડાપ્રધાન એટલે કે મારી પાસે ૩૩ બુલેટપ્રૂફ કાર છે. હેલિકોપ્ટર અને વિમાન પણ અમારી પાસે છે. આપણા ત્યાં ગવર્નરનું વિશાળ દ્યર છે. આરામની દરેક વસ્તુઓ અંહી છે જેની કલ્પના કરી શકાય છે.

ઇમરાન ખાને કહ્યું કે, એક તરફ આપણી પાસે આપણા લોકો માટે ખર્ચા કરવા માટે પૈસા નથી અને બીજી તરફ અહીંના કેટલાક લોકો એશો-આરામથી રહેતા હતા.

પોતાના અને દેશના ખર્ચાઓને કેવી રીતે ઘટાડી શકાય એ અંગે યોજના અંગે તેમણે જણાવ્યું હતું કે, હું ૫૨૪ની જગ્યાએ બે લોકો રાખીશ, ત્રણ બેડરૂમવાળા ઘરમાં રહીશ. બે કાર રાખીશ કારણ કે જાસૂસી એજન્સીઓએ જણાવ્યું કે મારા જીવને જોખમ છે. હું બાનીગાલા છોડવા ઇચ્છતો નથી પરંતુ મારે આવું કરવા માટે મજબૂર થવું પડ્યું.

ખાને વધુમાં જણાવ્યું કે, સરકાર બાકીની બુલેટ પ્રૂફ કારની હરાજી કરશે અને બિઝનેસમેનોને ખરીદવા માટે આમંત્રણ પણ આવ્યું છે.(૨૩.૧૬)

 

(3:52 pm IST)