Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

એન્જીન વગરની ટ્રેન ૧૭૦ કિ.મી. ઝડપે દોડશે

દેશની સૌથી આધુનિક ટ્રેનનું આવતા મહિને ટ્રાયલ :મેક ઇન ઇન્ડિયા હેઠળ નિર્માણ થયેલી ટ્રેન સંપુર્ણ AC છેઃ મુંબઇ-અમદાવાદ વચ્ચે દોડે તેવી સંભાવના

મુંબઇ તા.૨૦: આ વર્ષના બજેટમાં ''ટ્રેન ૧૮'' નામથી જેની આધુનિક ટ્રેનની ઘોષણા થઇ હતી, તે બનીને લગભગ તૈયાર થઇ ગઇ છે. ભારતના રેલ્વે ટ્રેક પર દોડતી બીજી બધી ટ્રેનોથી એકદમ અનોખી એવી ''ટ્રેન૧૮'' એન્જીન વગરની હશે. બધી લોકલ ટ્રેનોની જેમ આ ટ્રેનના બન્ને છેડે મોટર કોચ હશે એટલે કે આ ટ્રેન બેય દિશાઓમાં ચાલી શકશે. ભવિષ્યમાં શતાબ્દી જેવી ટ્રેનોની જગ્યાએ ટ્રેન ૧૮ ચલાવવાની યોજના છે. સુત્રો અનુસાર આવતા મહિને મુંબઇ-અમદાવાદ રૂટ પર તેની ટ્રાયલ શરૂ થઇ શકે છે.

''ટ્રેન ૧૮'' ચેન્નાઇના ઇન્ટીગ્રલ કોચ ફેકટરીમાં તૈયાર કરાઇ રહી છે. આ પ્રોજેકટ માટે અત્યારસુધીમાં રેલ મંત્રાલય દ્વારા ૧૨૦ કરોડ રૂપિયાથી પણ વધારે ખર્ચ કરવામાં આવ્યો છે. આઇસીએફના મુખ્ય મીકેનીકલ એન્જીનીયર શુભાંશુ અનુસાર ''ટ્રેન૧૮'' બનીને લગભગ તૈયાર છે. સપ્ટેમ્બરમાં તે ડિલીવરી કરી દેવાશે. તેની ટ્રાયલ ફાસ્ટ એક્ષપ્રેસ ટ્રેન વાળા રૂટ પર કરવામાં આવશે. આ ટ્રેનની ઝડપ ૧૭૦ કિ.મી. પ્રતિ કલાકની રહેશે.

''ટ્રેન ૧૮'' મેક ઇન ઇન્ડિયા હેઠળ તૈયાર કરાઇ છે. આ ટ્રેન સંપુર્ણ રૂપે વાતાનુકુલિત હશે, બધા કોચ એકબીજા સાથે જોડાયેલા હશે. સ્ટેનલેસ સ્ટીલ બોડી વાળી આ ટ્રેનની ડિઝાઇન આઇસીએફે તૈયાર કરી છે. આ ટ્રેનમાં વાઇ-ફાઇ, એલઇડી લાઇટ, પેસેન્જર ઇન્ફર્મેશન સીસ્ટમ અને આખા કોચમાં એક જ મોટી બારી હશે. અધિકારીએ જણાવ્યું કે આ ટ્રેનમાં ફકત બેસવાની જ સુવિધા હશે.રેલ મંત્રાલયે ૧૬ કોચની બે રેકનો ઓર્ડર આઇસીએફને આપ્યો છે. દરેક કોચ લગભગ પ કરોડ રૂપિયાના ખર્ચે બનશે. ''ટ્રેન ૧૮'' પછી ટ્રેન-૨૦ તૈયાર કરવામાં આવશે.

આઇસીએફના એક અધિકારીએ જણાવ્યું કે બીજા સેટ માટેનું કામ શરૂ થઇ ચુકયું છે. અધિકારીનું માનીએ તો બીજો સેટ મુંબઇને મળવાનો છે. અને તેને મુંબઇ-અમદાવાદ વચ્ચે ચલાવાશે.

ઉલ્લેખનીય છે કે આવતા વર્ષે ૮ રાજયોમાં ચૂંટણી થવાની છે. પહેલા ટ્રેન સેટને આમાંથી જ કોઇ એક રાજયમાં શરૂ કરાશે. એક અધિકારીેએ જણાવ્યું કે યાત્રા દરમિયાન ઇલેકટ્રીકલથી લોકોમોટીવ એન્જીન બદલવામાં ઘણો સમય બદબાદ થાય છે. આ ટ્રેન સેટને બંને દિશામાં ચલાવી શકાય છે અને લોકોમોટીવ બદલવાની ઝંઝટ પણ નથી એટલે ઘણો સમય બચી શકશે.

પશ્ચિમ રેલ્વેના એક મોટા અધિકારી અનુસાર બોઇસર પાસે ગ્રીન ફીલ્ડ ટર્મિનસ બનાવવાનો વિચાર થઇ રહયો છે. ગ્રીન ફીલ્ડ ટર્મિનસનો મતલબ ઓછી ઉર્જા વાપરીને ટ્રેનોનું મેઇન્ટેનન્સ કરવું. આ પ્રકારના ટર્મિનસમાં ટ્રેન સેટ જેવી રેકનું મેઇન્ટેનન્સ થશે. ઓછો ઉર્જા વપરાશ, ગતિ અને સુરક્ષા જ ટ્રેન સેટની ખાસિયત છે. સામાન્ય મેલ એક્ષપ્રેસ ટ્રેનોમાં ડબલ્યુ પી-પ અને ડબલ્યુ એજી-૭, પ૦૦૦ હોર્સપાવરના એન્જીન હોય છે, જેની ઉર્જા ખપત ટ્રેન સેટ અથવા  ઇએમયુ કરા ઘણી વધારે હોય છે.

(3:40 pm IST)