Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

ઇમરાન સરકારે શરૂ કર્યા 'ખેલ' : મોદીના નામે ફેલાવ્યું જુઠાણુ

નવો પક્ષ - નવી સરકાર - નવા વડાપ્રધાન છતાં પાકિસ્તાનની 'પૂંછડી વાંકી ને વાંકી' : નવી સરકારનું પ્રથમ જુઠ બેનકાબ : પાકિસ્તાનના નવા વિદેશમંત્રી શાહ મહમુદ કુરેશીએ 'ટાઢા પોર'ની હાંકી : મોદીએ પત્ર લખી મંત્રણાની ઓફર કરી : ભારતે તેમનો દાવો ફગાવ્યો

ઇસ્લામાબાદ તા. ૨૦ : ભૂતપૂર્વ ક્રિકેટર ઇમરાન ખાનના પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા બાદ નવી સરકારનું ભારત અંગે ખોટું બોલવું એ અંગે મોટો ખુલાસો થયો છે. ખરેખર, પાકિસ્તાનના નવનિયુકત વિદેશમંત્રી શાહ મહમુદ કુરેશીએ દાવો કર્યો કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાક.ના વડાપ્રધાનને પત્ર લખીને અભિનંદન પાઠવ્યા અને વાતચીતનો પ્રસ્તાવ રાખ્યો. જોકે નવી દિલ્હીના સરકારી સૂત્રોએ સ્પષ્ટ કર્યું કે, પીએમ મોદીએ ઇમરાનખાનને અભિનંદન પત્ર જરૂરથી મોકલ્યો છે પણ તેમાં વાતચીતનો કોઇ પ્રસ્તાવ સામેલ નથી.

અગાઉ પાક.ના વિદેશમંત્રીએ કહ્યું હતું કે, ભારતની સાથે સતત અને અટકયા વગર બેઠકની જરૂરીયાત છે. તેઓએ કહ્યું, આપણે પાડોશી છીએ, આપણા વચ્ચે લાંબા સમયથી અનેક મુદ્દાઓનો નિવેડો આવ્યો નથી. બંને દેશો આ સમસ્યાઓને જાણે છે. અમારી પાસે વાતો કરવા ઉપરાંત કોઇ અન્ય વિકલ્પ નથી અમે એડવેન્ચરેઝમને ભોગવી શકી નહીં.  જિયો ન્યુઝના જણાવ્યા મુજબ તેઓએ વધુમાં ઉમેર્યું કે, ભારત અને પાકિસ્તાનને વાસ્તવિકતાને સામે રાખીને આગળ વધવું જોઇએ. આ દરમિયાન તેઓએ દાવો કર્યો કે, પીએમ મોદીએ ઇમરાનખાનને પત્ર લખીને સંકેત આપી દિધો છે કે તેઓ બંને દેશો વચ્ચે વાતચીત ફરી શરૂ કરવા માંગે છે.

પાક. વિદેશમંત્રીએ કહ્યું કે, આપણા મુદ્દા ખૂબ જ જટીલ છે. અને તેનું સમાધાન કરવામાં આપણે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે પરંતુ આપણે સંવાદ કરવો જોઇએ. આપણે એ સ્વીકાર કરવું પડશે કે અમે સમસ્યાઓથી ઝઝુમી રહ્યા છીએ. તેઓએ પાક.ના અન્ય નેતાઓની જેમ કાશ્મીર રાગ પણ આલાપ્યો. કુરેશીએ કહ્યું કે, ઇસ્લામાબાદ ઘોષણા અમારા ઇતિહાસનો ભાગ છે.

ઉલ્લેખનીય છે કે, પાકના નવા ચુંટાયેલા વડાપ્રધાન ઇમરાનખાને રાષ્ટ્રના નામે તેના પ્રથમ સંબોધનમાં પાડોશી દેશો સાથે સબંધ સુધારવાનું કહ્યું છે. તેઓએ પાક.ને તેના દરેક પાડોશીઓની સાથે 'સારા સંબંધ' રાખવાની દિશામાં કાર્ય કરવું પડશે. કારણ કે તેના વગર દેશમાં શાંતિ લાવવી શકય હશે નહીં.

(3:25 pm IST)