Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

કેરળમાં હજુ હજારો લોકો રામભરોસેઃ ભુખ્યા-તરસ્યા ઘરમાં કેદ

છતો ઉપર ઉભેલા હજારો લોકોનો પોકાર... હેલીકોપ્ટર-હેલીકોપ્ટરઃ અલપ્પુઝા-ત્રિશુર- અર્નાકુલમમાં હજારો લોકો ફસાયા છેઃ ભુખ-તરસથી ત્રસ્તઃ ૬૦૦ લોકો ચર્ચમાં ફસાયા

કોચી તા.૨૦: કેરળના પુર પ્રભાવિત વિસ્તારોમાં હજારો લોકો હજી પણ સુરક્ષિત રીતે નીકળવાની રાહ જોઇ રહયા છે. અલપ્પુઝા, ત્રિશુર અને અર્નાકુલમ જિલ્લાના ઘણા વિસ્તારોમાં હજી પણ લોકો પોતાના ઘરમાં ફસાએલા છે, જયાં તીમની પાસે ભોજન કે પાણી પણ નથી. છત ઉપર ઉભેલા લોકો હેલીકોપ્ટરની મદદનો પોકાર કરી રહયા છે.

એનડીઆરએફ અનુસાર, પુર પ્રભાવિત વિસ્તારોમાંથી જુદી-જુદી એજન્સીએ ૩૩ હજારથી વધારે લોકોને બહાર કાઢયા છે. જયારે, રાહત શિબિરોમાં ૬ લાખ લોકો શરણ લઇ રહયા છે. રવિવારે નોૈસેનાનું વિમાન વિપુલ માત્રામાં રાશન- પાણી લઇને પહોંચ્યું હતું.

રોગચાળો ફેલાવવાની શકયતા

કેરળમાં આવેલ ભીષણ પુર પ્રકોપના કારણે કેટલીક જાતની બિમારીઓ ફેલાવવાની શકયતાઓ ઉભી થઇ છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન જે પી નડ્ડાએ જણાવ્યું કે કેરળની પરિસ્થિતી પર અમે સતત નજર રાખી રહયા છીએ. આરોગ્ય સચિવ તેના પર દેખરેખ રાખી રહયા છે.

ચાર દિવસ ભારે વરસાદ નહી થાય તેવી આગાહી

એનડીઆરએફનું કહેવું છે કે આ દક્ષિણી રાજયમાં આવતા ચાર દિવસમાં ભારે વરસાદ નહી થાય. જો કે પુરને લીધે અત્યાર સુધીમાં ૩૫૭ લોકોના મોત થયા છે અને લાખો લોકો બેઘર બન્યા છે.

નવજાત બાળકને બચાવવા માટે ઓપરેશન વોટરબેબી

કેરળના પુરમાં ફસાએલ એક માં અને તેના નવજાત બાળકને બચાવવા માટે '' ઓપરેશન વોટર બેબી'' કર્યું હતું. લેફટે. કર્નલ શશિકાંત વાઘમોડે જણાવ્યું કે શનિવારે રાત્રે લગભગ સાડાદસે આ ઓપરેશન શરૂ કરાયું હતું. આખો પરિવાર ફસાએલો હતો. નવજાત બાળક અને તેની માંની હાલત જોતા સુર્ય નિકળવાની રાહ જોવાઇ હતી. ત્યાર પછી સ્થાનિક ડોકટરની મદદથી કામગીરી પુરી કરાઇ હતી.

પશ્ચિમ બંગાળે ૧૦ કરોડ આપ્યા

પશ્ચિમ બંગાળ સરકારે કેરળના મુખ્યમંત્રી રાહત ફંડમાં પુર પીડિતોની મદદ માટે ૧૦ કરોડ રૂપિયાની મદદ આપવાનું જાહેર કર્યું છે. રાજયના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ ટ્વીટ કરીને જાણકારી આપતા કહયું કે આ મુશ્કેલીના સમયે કેરળના પુર પ્રભાવિત લોકો માટે હું સંવેદના વ્યકત કરૃં છું.

બોલીવુડ પણ મદદે આવ્યું

બોલીવુડ પણ કેરળવાસીઓની મદદ માટે આગળ આવ્યું છે. ફિલ્મ નિર્માતા પ્રિયદર્શન,, અક્ષય કુમાર, અમિતાભ બચ્ચન, શાહરૂખખાન, દુલકર રહેમાન અને જેકલીન ફર્નાન્ડીસ જેવી ફિલ્મ હસ્તીઓએ મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન આપ્યું છે. અને બીજા લોકોને પણ મદદ માટે અપિલ કરી છે.

યુએઇના વેપારીએ મદદ કરી

સંયુકત આરબ અમિરાત (યુએઇ) ના એક વેપારીએ ૨૬ લાખ દિરહામ (૪.૯૪ કરોડ રૂપિયા) નું દાન આપ્યું છે. ખલીજ ટાઇમ્સ અનુસાર, ફાતિમા હેલ્થકેર ગ્રુપના અધ્યક્ષ કે.પી. હુસેને જણાવ્યું છે કે આ રકમનો અડધો ભાગ કેરળના મુખ્યમંત્રી રાહત ફંડમાં અને બાકીનો હિસ્સો આરોગ્ય સહાયતા માટે દાનમા અપાયો છે. સોૈથી વધુ અસરગ્રસ્ત વિસ્તારના લોકો ઘરોમાં ફસાઇ ગયા છે. જયા ભોજન-પાણી નથી ચેંગાનુમ્માં ૫૦૦૦ લોકો છત પર છે. અર્નાકુલમમાં ચર્ચમાં ૬૦૦ લોકો ફસાયા છે.

(10:45 am IST)