Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

આવતા ૧૦ વર્ષમાં વરસાદ-પૂર ૧૬૦૦૦ જીંદગી ભરખી જશે

નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (એનડીએમએ)ની ચોંકાવનારી ભવિષ્યવાણીઃ ૪૭૦૦૦ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ બરબાદ થઈ જશેઃ ડીઝાસ્ટર સામે બાથ ભીડવાની બાબતમાં મોટી મોટી વાતો થાય છેઃ નક્કર કાર્યવાહીનો અભાવઃ આફતને પહોંચી વળવા રાજ્યોએ દાખવી આળસઃ ખતરાનું વિશ્લેષણ પણ કર્યુ નથી

નવી દિલ્હી, તા. ૨૦ :. નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (એનડીએમએ) એ આવતા ૧૦ વર્ષની અંદર વરસાદ અને પૂરથી વિનાશનું એક અનુમાન લગાવ્યું છે. જેના આંકડા ચોંકાવનારા છે. એનડીએમએનું અનુમાન છે કે આવતા ૧૦ વર્ષમાં દેશભરમાં પૂરના કારણે ૧૬૦૦૦ લોકોના મોત થશે અને ૪૭૦૦૦ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ બરબાદ થશે.

સરકારનું સમગ્ર ધ્યાન ડીઝાસ્ટરના ખતરામાં ઘટાડો લાવવા અને આફતમાં લોકોને બચાવવા ઉપર છે. ભારત પાસે ઘણી એડવાન્સ સેટેલાઈટ અને આગમચેતી અંગેની પ્રણાલી છે. જેની મદદથી હવામાનનું પૂર્વાનુમાન લગાવી મોતની સંખ્યા ઘટાડી શકાઈ તેમ છે. આમ છતા અત્યાર સુધીની બધી કવાયત માત્ર કાગળ પર જ જોવા મળી રહી છે. જ્યારે પણ કોઈ કુદરતી આફત સામે આવે છે તો એનડીએમએ મોટાભાગે ગાઈડલાઈન જારી કરવા, સેમીનારનું આયોજન કરવા અને બેઠકો બોલાવવા સુધી જ સીમીત રહે છે.

ગૃહ મંત્રાલયે હાલમાં દેશના ૬૪૦ જિલ્લાઓમાં ડીઝાસ્ટરના ખતરા અંગે એક અભ્યાસ હાથ ધર્યો હતો. ડીઝાસ્ટરના ખતરામાં ઘટાડો લાવવાની બાબતમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની કામગીરીને આધારે એક નેશનલ રીજીલયન્સ ઈન્ડેક્ષ તૈયાર કરવામા આવ્યો છે. જેમા જોખમનુ વિશ્લેષણ, જોખમને રોકવા અને આફત વખતે રાહત જેવા માપદંડ સામેલ છે. અભ્યાસ અનુસાર આપણે હજુ પ્રારંભિક તબક્કામાં છીએ અને આફત સામે ઝઝુમવાની બાબતમાં આપણુ સ્તર હજુ ઘણુ નીચે છે. જેમા હજુ ઘણા બધા સુધારા કરવાની જરૂર છે.

રીપોર્ટ અનુસાર મોટા ભાગના રાજ્યોએ અત્યાર સુધીમાં ખતરા અંગેનું વિસ્તૃત રાજ્યવાર વિશ્લેષણ, આફતના બદલતા સ્વરૂપ અને તેનાથી બચાવના બારામાં કોઈ કામ કર્યુ નથી. રાજ્યો દ્વારા કરવામાં આવેલુ વિશ્લેષણ ઘણુ મામુલી સ્તર પર છે અને તેમા જિલ્લા કે ગ્રામીણ સ્તર પર ઉંડા અભ્યાસનો અભાવ છે.

એનડીએમએના રીપોર્ટમાં જણાવ્યુ છે કે હિમાચલ પ્રદેશને બાદ કરતા કોઈપણ રાજ્યએ વિસ્તૃત રીતે આફતના ખતરાનું વિશ્લેષણ નથી કર્યુ. સાથોસાથ આ કામમાં કોઈ પ્રોફેશ્નલ એજન્સીની મદદ પણ લેવામા આવી નથી. રીપોર્ટ અનુસાર ગુજરાતમાં એક દાયકા પહેલા ડીઝાસ્ટરના ખતરાનુ વિસ્તારથી વિશ્લેષણ કરવામાં આવ્યુ હતુ પરંતુ બાદમાં અપડેટ કરવામાં આવ્યુ નથી કે ન તો સામાન્યના ઉપયોગ માટે તે ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.(૨-૧)

(10:43 am IST)