Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

SC/STને સતાવશો તો ત્વરિત ધરપકડઃ આગોતરા પણ નહિ મળે

અનુસુચિત જાતિ/ અનુસુચિત જનજાતિ અત્યાચાર નિરોધક કાનુનમાં સંશોધન લાગુઃ રાષ્ટ્રપતિએ સુપ્રિમ કોર્ટના ફૈંસલાને ઉલ્ટાવતા સંશોધિત કાનુનની આપી મંજુરીઃ નવા કાયદામાં કલમ ૧૮(એ) જોડવામાં આવીઃ કાયદાનો ભંગ કરનાર સામે FIR પુર્વે પ્રારંભિક તપાસની પણ જરૂર નહિ રહેઃ ઓફીસર પરવાનગી વગર ધરપકડ કરી શકશે

નવીદિલ્હી તા.૨૦: અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિની સતામણીમાં તરત જ કેસ દાખલ થશે અને ગીરફતારી થશે. કેસ દાખલ કરતા પહેલા પ્રાથમિક તપાસ અને ગીરફતારી પહેલા પરવાનગી લેવાની જરૂર નહી પડે. રાષ્ટ્રપતિએ સુપ્રિમકોર્ટના ચુકાદાને બિન અસરકારક બનાવનારા એસસી-એસટી કાયદા ૨૦૧૮ને મંજુરી આપી દીધી છે. રાષ્ટ્રપતિની મંજુરી મળ્યા પછી એસસી-એસટી કાયદો પહેલાની જેમ કડક થઇ ગયેલ છે.

સુપ્રિમ કોર્ટે ગઇ ૨૦ માર્ચના રોજ આપેલ ચુકાદામાં એસસી-એસટી કાયદાના દુરૂપયોગ બાબતે ચિંતા વ્યકત કરીને દિશા-નિર્દેશો જાહેર કર્યાં હતા. સુપ્રિમે કહયું હતું કે એસસી-એસટી અત્યાચાર નિરોધક કાયદામાં ફરીયાદ મળ્યા પછી તરત જ કેસ દાખલ નહીં થાય. ડીએસપી પહેલા ફરીયાદની પ્રાથમિક તપાસ કરીને જાણી લેશે કે તે મામલો ખોટો અથવા દુર્ભાવનાથી પ્રેરિત તો નથીને. આ ઉપરાંત આ કાયદા હેઠળ એફ આઇઆર દાખલ થયા પછી આરોપીને તરત ગીરફતાર નહી કરાય. સરકારી કર્મચારીની ધરપકડ કરતા પહેલા સક્ષમ અધિકારી અને સામાન્ય માણસની ધરપકડ પહેલા એસએસપીની મંજુરી લેવી પડશે. એટલું જ નહી, કોર્ટે આરોપીના આગોતરા જામીનનો રસ્તો પણ ખોલી આપ્યો હતો. સુપ્રિમ કોર્ટના આ ચુકાદા પછી તેનો દેશવ્યાપી વિરોધ થયો હતો. ત્યાર પછી સરકારે આ કાયદાને પુર્વ સ્થિતિમાં લાવવા માટે એસસી-એસટી કાયદા સુધારણા બીલ સંસદમાં રજુ કર્યું હતું અને બંને સદનોમાં મંજુર કરીને રાષ્ટ્રપતિ પાસે મંજુરી માટે મોકલ્યું હતું.

રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા પછી હવે તે સુધારો અમલી બની ગયો છે. આ સુધારેલ કાયદામાં એસસી-એસટી અત્યાચાર વિરોધી કાયદામાં કલમ ૧૮-એ ઉમેરદવામાં આવી છે. જેમાં કહેવાયું છે કે આ કાયદાનું ઉલ્લંઘન કરનાર વિરૂધ્ધ એફઆઇઆર દાખલ કરતા પહેલા પ્રાથમિક તપાસની જરૂર નથી. અને તપાસનીશ અધિકારીએ ધરપકડ કરતા પહેલા કોઇની પરવાનગી લેવાની જરૂર નથી. એટલું જ નહી, સુધારેલા કાયદામાં એમ પણ કહેવાયું છે આ કાનુન હેઠળ અપરાધ કરનાર આરોપીને આગોતરા જામીનનો લાભ નહી મળે. સુધારેલ કાયદામાં ચોખ્ખુ કહેવાયું છે કે આ કાયદાના ઉલ્લંઘન બદલ કાયદામાં ચોખ્ખુ કહેવાયું છે કે આ કાયદાના ઉલ્લંઘન બદલ કાયદામાં કહેવાયેલ પ્રક્રિયાનું જ પાલન કરવાનું રહેશે. એટલે હવે કાયદા સુપ્રિમના ચુકાદાથી એકદમ ઉલ્ટો થઇ ગયો છે.

કાયદામાં સુધારો કર્યા પછી આમતો સુપ્રિમના નિર્ણયનું કોઇ મહત્વ નથી રહ્યું છતાં પણ જણાવી દઇએ કે આ ચૂકાદા વિરૂધ્ધ કેન્દ્ર સરકારની ફેરવિચારણાની અરજી હજુ સુપ્રિમ કોર્ટમાં છે જ. પુનવિચાર અરજી પર નિર્ણય કરનાર બેંચમાં જસ્ટીસ આદર્શ કુમાર ગોયલ અને યુ. યુ. લલિતની બેંચ તેની સુનાવણી કરે છે અને આ બેંચે ચુકાદા પર સ્ટે આપવાની સરકારની માગણી ઉડાવી દીધી હતી. આ દરમ્યાન જસ્ટીસ ગોયલ નિવૃત થઇ ગયા હોવાની પુનર્વિચાર અરજીની સુનાવણી માટે નવી બેંચનું ગઠન કરવું પડશે. (૧.૫)

(10:42 am IST)