Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

ગોવાની હાલત કેરળ જેવી ભયંકર થવાની ચેતવણી

ભારે નફાકારક ગેરકાયદે ખાણકામની પ્રવૃત્તિ રોકવાની ભલામણ

પણજી તા. ૨૦ : પર્યાવરણવાદી માધવ ગાડગિલે ચેતવણી આપી હતી કે ગોવામાં પર્યાવરણની જાળવણી નહિ કરાય તો પૂરગ્રસ્ત કેરળ જેવી સ્થિતિ ગોવામાં પણ સર્જાઇ શકે છે.તેમણે જણાવ્યું હતું કે દેશના અન્ય રાજયોની જેમ ગોવામાં પણ લાલચ અને અમર્યાદિત નફા માટે પર્યાવરણને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. પર્યાવરણવાદી માધવ ગાડગિલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે રચેલા જસ્ટિસ એમ. બી. શાહ પંચના અંદાજ મુજબ ગોવામાં ગેરકાયદે ખાણકામ દ્વારા અબજો રૂપિયાનો નફો મેળવાય છે.

તેમણે જણાવ્યું હતું કે પથ્થરની ખાણમાં બહુ જ ઓછું રોકાણ કરીને મોટો નફો મેળવી શકાય છે અને તેથી ખાણકામની ગેરકાયદે પ્રવૃત્ત્િ। વધી રહી છે. ગાડગિલે આયર્ન ઓર કંપનીઓના ૨૦૧૧ના એન્વાયર્નમેન્ટ ઇમ્પેકટ એસેસમેન્ટ રિપોર્ટ્સના આધારે ગોવાના પર્યાવરણનો ઊંડો અભ્યાસ કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે આયર્ન ઓર કંપનીઓએ પોતાના એન્વાયર્નમેન્ટ ઇમ્પેકટ એસેસમેન્ટ રિપોર્ટ્સમાં ઘણી ખોટી માહિતી આપી હતી.

ગાડગિલે સરકાર દ્વારા રચાયેલી વેસ્ટર્ન ઘાટ્સ ઇકોલોજી એકસ્પર્ટ પેનલનું નેતૃત્વ કર્યું હતું.  પર્યાવરણવાદીઓની આ સમિતિએ ૨૦૧૧માં રજૂ કરેલા અહેવાલમાં કેરળના અનેક વિસ્તારમાં પર્યાવરણને કરાઇ રહેલા નુકસાન સામે ચેતવણી આપી હતી.

આ ઉપરાંત, સમિતિએ ખાણકામ અને ઘાટ પરના પથ્થરો તોડવાની ગેરકાયદે પ્રવૃત્તિ રોકવા પણ સૂચના આપી હતી.

૭૩ વર્ષીય પર્યાવરણવાદી ગાડગિલે જણાવ્યું હતું કે જસ્ટિસ એમ. બી. શાહ પંચના અહેવાલ મુજબ ગેરકાયદે ખાણકામ દ્વારા રૂપિયા ૩૫,૦૦૦ કરોડનો નફો મેળવાય છે. ખાણકામની ગેરકાયદે પ્રવૃત્તિ કરનારા લોકો પર્યાવરણને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે.(૨૧.૪)

(9:40 am IST)