Gujarati News

Gujarati News

News of Tuesday, 28th November 2023

ટનલની અંદર ફસાયેલા તમામ 41 શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા: સફળતાપૂર્વક રેસ્ક્યુ

બચાવકારોની મહેનત અને દેશવાસીઓની પ્રાર્થના રંગ લાવી :ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોનું આખરે અંદાજે 400 કલાક બાદ રેસ્ક્યૂ કરવામાં આવ્યું

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ટનલમાં સતત 17 દિવસ સુધી અંદર અને બહાર બંને જગ્યાએ જોવા મળેલી તંગદિલીનો આખરે સુખદ અંત આવ્યો છે અને 41 શ્રમિકોને ટનલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. બચાવકારોની મહેનત અને દેશવાસીઓની પ્રાર્થના રંગ લાવી છે. દિવાળીના દિવસે એટલે કે તારીખ 12 નવેમ્બરથી ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોનું આખરે અંદાજે 400 કલાક બાદ રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

ટનલની બહાર તમામ શ્રમિકો આવે તે પહેલાથી જ તંત્ર દ્વારા તેમના જીવને સુરક્ષિત કરવા માટે વિવિધ તૈયારીઓ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા ઍમ્બ્યુલન્સો તૈયાર રાખવામાં આવી હતી અને ઍમ્બ્યુલન્સોને હોસ્પિટલ પહોંચવા સુધીનો રસ્તો ચોખ્ખો રાખવામાં આવ્યો હતો. શ્રમિકોની ટનલમાંથી નીકળવાની તૈયારી હતી તેના થોડી ક્ષણો પહેલા આ ઍમ્બ્યુલન્સો ટનલની અંદર લઈ જવામાં આવી હતી. તે ઉપરાંત શ્રમિકો માટે બીજા કપડાં પણ તૈયાર રાખવામાં આવ્યા હતા તેમજ આ તમામ શ્રમિકોના પરિવારજનોને બોલાવી રાખવામાં આવ્યા હતા. જેથી તેઓ પોતાના સ્નેહીને જોઈ શકે તેમજ માનસિક ટેકો પૂરો પાડી શકે. તૈયારીના ભાગરૂપે NDRFની ટીમ સીડીઓ અને દોરડાઓ લઈને ટનલની અંદર પહોંચી હતી. ટનલમાંથી શ્રમિકો બહાર આવે ત્યારે સીધા હોસ્પિટલ લઈ જવા માટે નજીકન સામૂહિક સ્વાસ્થ્ય કેન્દ્ર ચિન્યાલીસૌડમાં પથારીઓ તૈયાર કરવામાં આવી છે

 

(9:02 pm IST)