Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

દ્રાસમાં માઇનસ ૧૧.૬ ડિગ્રી તાપમાન નોંધાયું

લેહ શહેરમાં માઈનસ ૭.૮ ડિગ્રી સેલ્‍સિયસ

શ્રીનગર,તા.૨૮: શ્રીનગરમાં અત્‍યાર સુધીની સિઝનની સૌથી ઠંડી રાત નોંધાઈ છે કારણ કે સમગ્ર કાશ્‍મીરમાં લઘુતમ તાપમાન શૂન્‍યથી નીચે ગયું છે એમ અધિકારીઓએ જણાવ્‍યું હતું. શહેરમાં શનિવારે રાત્રે લઘુતમ માઈનસ ૨.૧ ડિગ્રી સેલ્‍સિયસ નોંધાયું હતું જે આ સિઝનમાં અત્‍યાર સુધીનું સૌથી ઓછું તાપમાન હતું. મોસમના આ સમયે રાત્રિનું તાપમાન સામાન્‍ય કરતાં ૧.૨ ડિગ્રી ઓછું હતું. જયારે લદ્દાખના લેહ શહેરમાં માઈનસ ૭.૮ ડિગ્રી સેલ્‍સિયસ અને દ્રાસમાં લઘુતમ તાપમાન માઈનસ ૧૧.૬ ડિગ્રી સેલ્‍સિયસ નોંધાયું હતું.

પહેલગામ પ્રવાસ ધામ જે દક્ષિણ કાશ્‍મીરમાં અમરનાથ યાત્રા માટેના બેઝ કેમ્‍પમાંના એક તરીકે પણ કામ કરે છે ત્‍યાં માઈનસ ૩.૪ ડિગ્રી સેલ્‍સિયસ નોંધાયું હતું જે ખીણમાં સૌથી ઠંડું નોંધાયેલું સ્‍થળ હતું. ઉત્તર કાશ્‍મીરના બારામુલા જિલ્લાના ગુલમર્ગના પ્રખ્‍યાત સ્‍કી-રિસોર્ટમાં માઈનસ ૧.૦ ડિગ્રી સેલ્‍સિયસ તાપમાન નોંધાયું હતું.

દક્ષિણ કાશ્‍મીરના અનંતનાગ જિલ્લામાં ખીણના પ્રવેશદ્વાર શહેર કાઝીગુંડમાં લઘુતમ તાપમાન માઈનસ ૧.૪ ડિગ્રી સેલ્‍સિયસ નોંધાયું હતું જયારે ઉત્તર કાશ્‍મીરના કુપવાડામાં પણ પારો માઈનસ ૧.૪ ડિગ્રી સેલ્‍સિયસ સુધી પહોંચી ગયો હતો. આ ઉપરાંત કોકરનાગમાં માઈનસ ૦.૪ ડિગ્રી સેલ્‍સિયસ તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગે જણાવ્‍યું હતું કે ૭ ડિસેમ્‍બર સુધી હવામાન સૂકું રહેવાની શક્‍યતા હોવાથી લઘુતમમાં વધુ ઘટાડો થવાની ધારણા છે.

(10:32 am IST)