Gujarati News

Gujarati News

News of Sunday, 28th November 2021

૩૦ નવેમ્બર થી ૨જી ડિસેમ્બર વચ્ચે (મંગળવારથી ગુરુવાર દરમિયાન) ગુજરાત સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના વિસ્તારોમાં ફરી જોરદાર માવઠાની આગાહી: સૂસવાટા મારતા પવન સાથે મધ્યમ અને ભારેથી અતિભારે વરસાદની હવામાન ખાતાની આગાહી

એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાઇ રહ્યું છે જેની અસર હેઠળ ૩૦મીની રાતથી ગુજરાતમાં આજવીજ અને સુસવાટા મારતા પવન સાથે ફરી એક વખત કમોસમી  માવઠું આવી રહ્યાનું હવામાન ખાતાએ આજે જણાવ્યું છે. જોકે અકિલાએ ત્રણ ચાર દિવસ પહેલા જ જાણીતા હવામાનશાસ્ત્રી શ્રી ઉકાણીની આગાહી આ અંગેની પ્રસિદ્ધ કરી હતી.
તારીખ ૩૦ નવેમ્બર મંગળવારના વીજળી અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વાવાઝોડું ફૂંકાશે. પવનની ઝડપ ૪૦ થી ૬૦ કિમી પ્રતિ કલાક (ઝાપટામાં) રહેવા અને હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હવામાન ખાતાએ દર્શાવી છે.આ દરમિયાન મંગળવારે દક્ષિણ ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં અને દમણ અને દાદરા નગર હવેલીમાં અલગ-અલગ સ્થળોએ  હળવાથી મધ્યમ વરસાદ પડશે.

ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં અમદાવાદ, આણંદ આસપાસ હળવાથી મધ્યમ વરસાદ પડશે. ખેડા, પંચમહાલ અને દાહોદ તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં કેટલેક સ્થળે હળવાથી મધ્યમ વરસાદ પડશે.
૧ ડિસેમ્બર બુધવારના રોજ આણંદ,  નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ કેટલાક સ્થળોએ પડશે જ્યારે સૌરાષ્ટ્રમાં આ દરમિયાન અમરેલી અને ભાવનગરના કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના હવામાન ખાતાની યાદીમાં દર્શાવવામાં આવેલ છે
પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, સુરત, ડાંગ, તાપી જિલ્લાઓમાં તથા સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીરસોમનાથ, બોટાદ અને દીવમાં ગાજવીજ અને ભારે પવન સાથે હળવાથી મધ્યમ વાવાઝોડું ૪૦ થી ૬૦  કિમી પ્રતિ કલાક (ઝાપટામાં) ઝડપે ફૂંકાશે. આ ઉપરાંત બુધવારે ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ કમોસમી વરસાદની સંભાવના છે.

જ્યારે ગુરુવાર ૨ જી ડિસેમ્બરે ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ એટલે કે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ડાંગ, તાપીમાં વીજળી અને  પવન સાથે હળવાથી મધ્યમ વાવાઝોડું ૪૦-૬૦ કિમી પ્રતિ કલાકે ફૂકાશે.ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં ગુરુવારે છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાત;  દક્ષિણ ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં એટલે કે છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ અને દાદરા નગર હવેલી;  સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં એટલે કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં માવઠું કમોસમી વરસાદ થશે.

(5:14 pm IST)