Gujarati News

Gujarati News

News of Sunday, 28th November 2021

ઇઝરાઇલના મંત્રી મંડળમાં લેવાયેલ નિર્ણય અનુસાર હવે તમામ વિદેશીઓના પ્રવેશ પર પ્રતિબંધ

ઇઝરાઇલની અંદાજે અડધી વસતીને બુસ્ટર શૉટ લાગી ચૂકયો છે: ઇઝરાયલે તાજેતરમાં જ રસીકરણ અભિયાનનું વિસ્તરણ કરીને પાંચ વર્ષ સુધીના બાળકોને પણ તેમાં સામલે કરી દીધા છે: જો કે ઇઝરાઇલે તાજેતરમાં જ કોરોના વાયરસના ખૂબ જ સંક્રમક ડેલ્ટાની લહેરનો સામનો કર્યો છે.

કોરોના વાયરસના નવા સ્વરૂપ પર ચર્ચા કરવા માટે શુક્રવારના રોજ બોલાવામાં આવેલી મંત્રીમંડળની બેઠકમાં ઇઝરાઇલના પ્રધાનમંત્રી નફ્તાલી બેનેટે કહ્યું કે આ ખૂબ જ સંક્રમક છે અને ડેલ્ટા વાયરસ કરતાં પણ વધુ ઝડપથી ફેલાઇ રહ્યો છે. તેમણે કહ્યું કે અધિકારીઓ અત્યારે આ સંબંધમાં માહિતી એકત્રિત કરી રહ્યા છે શું રસી તેના પર બિનઅસરકારક છે અને શું આ જીવલેણ છે. તેમણે કહ્યું કે આપણે અત્યારે ઇમરજન્સી સ્થિતિને ઉંબરા પર છીએ.

કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના લીધે ઇઝરાઇલે તમામ વિદેશી પેસેન્જર્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. સમાચાર મળ્યા છે કે ઇઝરાઇલે વિદેશથી આવતા તમામ લોકો માટે સરહદો બંધ કરી દીધી છે. શુક્રવારના રોજ દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત પહેલાં દર્દી મળ્યા હતા. ત્યારબાદથી જ ઇઝરાઇલે કેટલાંય દક્ષિણ આફ્રિકન દેશોના પ્રવાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ઓમિક્રોનનો પહેલો કેસ દક્ષિણ આફ્રિકામાં મળ્યો હતો.

એએફપીના મતે ઇઝરાઇલે તમામ વિદેશીઓ માટે સરહદો બંધ કરી દીધી છે. બીબીસીના રિપોર્ટમાં સ્થાનિક મીડિયાના હવાલે કહ્યું હતું કે ઇઝરાઇલ 14 દિવસ માટે વિદેશી પેસેન્જર્સને દેશમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યું હતું. આશા વ્યક્ત કરાઇ છે કે પ્રતિબંધ રવિવાર રાતથી શરૂ થઇ શકે છે. આની પહેલાં કેટલાંય દેશ દક્ષિણ આફ્રિકાથી યાત્રા પર પ્રતિબંધ મૂકી ચૂકયા છે.

ઇઝરાઇલના પીએમે કહ્યું કે મેં તમામને તૈયાર રહેવાનું અને ચોવીસ કલાક કામ કરવા માટે કમર કસવાનું કહ્યું છે. સરકારે બાદમાં કહ્યું ક સહ-સહારા આફ્રિકા વિસ્તારના તમામ દેશોને ‘રેડ ઝોન’નની શ્રેણીમાં રખાશે અને ત્યાંના વિદેશી નાગરિકોને ઇઝરાઇલ યાત્રા પર પ્રતિબંધ હશે. ઇઝરાઇલના લોકોને પણ આ દેશોના પ્રવાસ કરવા પર પ્રતિબંધ છે અને ત્યાંથી પાછા આવવા પર આઇસોલેટ થવું પડશે. ઇઝરાઇલે ગયા વર્ષના અંતમાં દુનિયાના પહેલાં અને સૌથી સફળ રસીકરણ અભિયાનની શરૂઆત કરી હતી અને દેશની અંદાજે અડધી વસતીને બુસ્ટર શૉટ લાગી ચૂકયો છે. ઇઝરાયલે તાજેતરમાં જ રસીકરણ અભિયાનનું વિસ્તરણ કરીને પાંચ વર્ષ સુધીના બાળકોને પણ તેમાં સામલે કરી દીધા છે. જો કે ઇઝરાઇલે તાજેતરમાં જ કોરોના વાયરસના ખૂબ જ સંક્રમક ડેલ્ટાની લહેરનો સામનો કર્યો છે.

(3:11 pm IST)