Gujarati News

Gujarati News

News of Sunday, 28th November 2021

ICCએ વુમન ક્રિકેટ વર્લ્ડકપની ક્વોલિફાયર મેચો રદ કરી : કોરોનાના નવા વેરિયન્ટથી વધ્યો ભય

આ વેરિયન્ટ બાદ આફ્રિકાના દક્ષિણ વિસ્તારમાં કોરોનાના કેસમાં 251 ટકાનો ઉછાળો

આફ્રિકામાંથી મળી આવેલા કોરોના વાયરના નવા વેરિયન્ટ ઓમનીક્રોનના કારણે સમગ્ર જગત પર નવા એક વેવનો ખતરો તોળાઇ રહ્યો છે. આ વેરિયન્ટ બાદ આફ્રિકાના દક્ષિણ વિસ્તારમાં કોરોનાના કેસમાં 251 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે, તો સાથે જ કોરોના વાયરસ સામે જંગ લડી રહેલા દેશોમાં ડર છે. આ વેરિયન્ટ મલ્ટીપલ મ્યૂટેશન ધરાવતો હોવાના કારણે ડેલ્ટા વેરિયન્ટ કરતા પણ વધુ ઘાતક છે. દરમિયાન આ સ્થિતિમાં ઝીમ્બાબવેના હરારેમાં યોજાઈ રહેલ મહિલા ક્રિકેટ વર્લ્ડકપ 2022ની ક્વોલિફાયર મેચોને રદ કરી છે. આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડકપ આગામી વર્ષે ન્યૂઝીલેન્ડમાં યોજાવાનો છે.


હરારમાં પાકિસ્તાન, વેસ્ટઇન્ડિઝ અને બાંગ્લાદેશની મહિલા ક્રિકેટની ટીમો વચ્ચે આ ક્વોલિફાયરની જંગ રમાઈ રહી હતી. દરમિયાન ટ્રાવેલ પર પ્રતિબંધ તેમજ અગમચેતીના પગલાંઓ ભરાઈ રહ્યા હોવાના કારણે આઈસીસી દ્વારા આ સ્પર્ધા પડતી મૂકવામાં આવી છે. આ નિર્ણય નવ ટીમોની ટુર્નામેન્ટના પ્રારંભિક લીગ તબક્કા દરમિયાન લેવામાં આવ્યો હતો, જે ન્યુઝીલેન્ડમાં રમાનારી વર્લ્ડ કપ 2022 માટેના અંતિમ ત્રણ ક્વોલિફાયર તેમજ ICCના આગામી રાઉન્ડ માટે બે વધારાની ટીમો નક્કી કરવા માટે હતો.

દક્ષિણ આફ્રિકામાં નવા પ્રકારના વેરિયન્ટમની શોધ પછી વિશ્વભરમાં ભય પેદા થયો છે. સંખ્યાબંધ આફ્રિકન દેશોમાંથી મુસાફરી પ્રતિબંધો રજૂ કરવામાં આવ્યા છે. ICC એ કહ્યું કે ઈવેન્ટ રોકવાનો નિર્ણય તેની ચિંતાઓ પર આધારિત છે કે ઓમિક્રોન વેરિઅન્ટના ઉદયને પગલે હરારેમાં ક્વોલિફાયરમાં ભાગ લેનારી ટીમો કેવી રીતે પાછી ફરશે?

(12:00 am IST)