Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

વડાપ્રધાન વેકસીન સેન્ટરોની મુલાકાતેઃ તૈયારીઓની સમીક્ષા

૩ શહેરોની મુલાકાત પૂર્વે સવારે અમદાવાદ આવી પહોંચ્યા વડાપ્રધાનઃ ઝાયડ્સ કેડીલા કંપનીની લીધી મુલાકાતઃ લીધા અપડેટઃ અમદાવાદ બાદ બપોરે હૈદરાબાદમાં ભારત બાયોટેક અને બાદમાં પૂણેની સીરમ ઈન્સ્ટીટયુટની મુલાકાતઃ વૈજ્ઞાનિકો સાથે તૈયારીઓની ચર્ચા કરી

નવી દિલ્હી, તા. ૨૮ :. કોરોનાકાળમાં દરેક વ્યકિત કોવિડ-૧૯ વેકસીનની રાહ જોઈ રહી છે. દેશમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે વડાપ્રધાન મોદીએ આજે વેકસીનની તૈયારીઓની સમીક્ષા કરવા માટે તથા અપડેટ લેવા માટે ૩ શહેરોની મુલાકાતે છે. આજે સવારે પ્રથમ ચરણમા તેઓ અમદાવાદ આવી પહોંચ્યા હતા અને ચાંગોદર ખાતે આવેલ ઝાયડ્સ કેડીલાની મુલાકાત લીધી હતી. બપોરે તેઓ હૈદરાબાદમા ભારત બાયોટેકની મુલાકાતે ગયા હતા અને ત્યાંથી તેઓ પૂણેમાં સીરમ ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડીયામાં પણ ગયા હતા. આ ત્રણેય સેન્ટરોમાં વેકસીન બનાવવાનુ કામ ધમધોકાર ચાલી રહ્યુ છે. વડાપ્રધાન ત્રણેય સેન્ટરો ખાતેથી વેકસીનના અપડેટ લઈ રહ્યા છે અને વેકસીન અંગે વૈજ્ઞાનિકો સાથે ચર્ચા પણ કરી રહ્યા છે.

અગાઉથી નક્કી થયેલા કાર્યક્રમ અનુસાર વડાપ્રધાન આજે સવારે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા અને ત્યાંથી તેઓ હેલીકોપ્ટરમાં અમદાવાદની નજીક આવેલા ચાંગોદર ખાતે ઝાયડ્સ કેડીલા કંપનીના પ્લાન્ટ પર ગયા હતા. ત્યાં તેઓએ કોવિડ-૧૯ની રસી અંગે માહિતી મેળવી હતી. કંપનીએ અગાઉ જાહેરાત કરી હતી કે કંપનીએ પ્રથમ પરીક્ષણ પુરૂ કરી લીધુ છે અને બીજુ પરીક્ષણ પણ ચાલી રહ્યુ છે. તેઓએ વૈજ્ઞાનિકો સાથે ચર્ચા કરી નાગરીકોના રસીકરણની તૈયારીઓ, પડકારો અને પ્રયાસોનું માળખુ તૈયાર કરવા બાબતે માહિતી મેળવી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે બપોરે ૧.૩૦ કલાકે વડાપ્રધાન હૈદરાબાદના જીનોમ વેલી સ્થિત ભારત બાયોટેકના સેન્ટર પર પહોંચ્યા હતા. ત્યાં કોવિડ-૧૯ વેકસીનના ત્રીજા ચરણનું પરિક્ષણ ચાલી રહ્યુ છે. ત્યાં વડાપ્રધાન એકાદ કલાક રોકાઈ પૂણે જવા રવાના થયા હતા. સાંજે ૪.૩૦ કલાકે વડાપ્રધાન પૂણે સ્થિત સીરમ ઈન્સ્ટીટયુટની મુલાકાત લેશે. આ કંપનીએ કોવિડ-૧૯ની રસી વિકસીત કરવા માટે જાણીતી દવા કંપની અસ્ટ્રાજેનેકા અને ઓકસફોર્ડ યુનિવર્સિટી ખાતે ભાગીદારી કરી છે. તેઓ તૈયારીઓની સમીક્ષા કરી સાંજે દિલ્હી પરત ફરશે.

વડાપ્રધાન કોવિડ-૧૯ રસીના વિકાસ અને નિર્માણની પ્રક્રિયાની વ્યકિતગત સમીક્ષા માટે ત્રણેયની સેન્ટરોની મુલાકાત લઈ રહ્યા છે. તેઓએ એ જાણવાનો પ્રયાસ પણ કર્યો હતો કે વેકસીનમાં શું - શું મુશ્કેલીઓ આવી રહી છે અને કયા કારણોથી કામ અટકેલુ છે ? તેઓએ વિતરણ વ્યવસ્થા અંગે પણ ચર્ચા-વિચારણા કરી હતી. હૈદરાબાદમાં ભારત બાયોટેક અને આઈસીએમઆર મળીને સ્વદેશી વેકસીન ઉપર કામ કરી રહ્યા છે. બાયોટેકની વેકસીનની હ્યુમન ટ્રાયલ પણ ચાલી રહી છે.

(11:39 am IST)