Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

મીર સૈયદ મુહમ્મદ હમદાનીની દરગાહમાં આગ ચાપવામાં આવ્યા બાદ કાશ્મીરમાં તનાવ

શ્રીનગર તા.૨૮:  દક્ષિણ કાશ્મીરના કોસરબાલ ખાતે આવેલી હઝરત મીર સૈયદ મુહમ્મદ હમદાનીની પવિત્ર દરગાહમાં  રાત્રે તોફાની તત્વો દ્વારા આગ ચાંપવામાં આવ્યા બાદ દક્ષિણ કાશ્મીરના ત્રાલમાં તનાવ વધી ગયો છે. જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ ગિરિશ ચંદ્ર મુર્મુએ દરગાહને સરકારી ખર્ચે તેની મૂળ અને પ્રાચીન સ્થિતિમાં જાળવી રાખવાનો સત્તાવાળાઓને આદેશ આપ્યો છે. દરગાહમાં આગ ચાંપવાની ઘટનાથી સમગ્ર કેન્દ્ર શાસિત પ્રદેશમાં આઘાતનું મોજું ફરી વળ્યું છે.  તોફાની તત્વો દ્વારા આગ ચાંપવાની ઘટનામાં મહિલાઓ માટે નમાઝ પઢવાના મસ્જિદના ભાગને નુકસાન થયું છે. પોલીસના પ્રવકતાએ જણાવ્યું કે સ્થાનિક લોકો અને ફાયર તેમ જ ઇમરજન્સી સર્વિસ દ્વારા તાકીદે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. પોલીસે કાયદાની વિભિન્ન કલમો હેઠળ કેસ નોંધીને આ ઘટનામાં સંડોવાયેલા અપરાધીઓને પકડી પાડવા માટે  શોધખોળ શરૂ કરી છે.  પરિસ્થિતિની ગંભીરતા સમજીને પુલવામાના નાયબ કમીશનર ડો.રાઘવ લાંગર અને અવંતીપોરાના વરિષ્ઠ પોલીસ અધીક્ષક તાહિર સલીમે ત્રાલની મુલાકાત લીધી હતી અને આ ઘટનાની ઝડપી તપાસ કરવાની ખાતરી આપી છે. એસએસપીએ જણાવ્યું કે ટૂંક સમયમાં જ અપરાધીઓને પકડી પાડવામાં આવશે.

(11:29 am IST)