Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

મતદાનની સાથે સાથે........

૧૧મી ડિસેમ્બરે તમામના ભાવિનો ફેંસલો થશે

ભોપાલ-આઈઝોલ,તા. ૨૮ : મધ્યપ્રદેશ અને મિઝોરમમાં હાઈવોલ્ટેજ અને હાઈપ્રોફાઇલ ચૂંટણી માટે આજે શાંતિપૂર્ણરીતે મતદાન થયું હતું. ઘણી જગ્યાઓએ ઇવીએમ ખરાબ થવાની ફરિયાદ મળી હતી. મતદાન માટે નિર્ધારિત સમય પૂર્ણ થયા બાદ પણ ઘણી જગ્યાએ લાંબી લાઈનો રહી હતી જેથી તેમને મતદાન કરવાની તક અપાઈ હતી. મધ્યપ્રદેશમાં આજે ૬૫ ટકાથી વધુ મતદાન થયું હતું જ્યારે મિઝોરમમાં ૭૧ ટકાથી વધુ મતદાન થયું હતું. મતદાન પૂર્ણ થતાંની સાથે જ બંને રાજ્યોમાં તમામ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. મતદાનની સાથે સાથે નીચે મુજબ છે.

*    મધ્યપ્રદેશમાં ૨૩૦ વિધાનસભા સીટ માટે શાંતિપૂર્ણ મતદાન પરિપૂર્ણ

*    મધ્યપ્રદેશમાં ૬૫ ટકાથી વધુ અને મિઝોરમમાં ૭૧ ટકાથી વધુ મતદાન થયું

*    મધ્યપ્રદેશ અને મિઝોરમ બંને રાજ્યોમાં અનેક જગ્યાઓએ ઇવીએમમાં ખામી સર્જાઈ હોવાના અહેવાલ પણ મળ્યા

*    ભાજપે કમલનાથ સામે આચારસંહિતા ભંગને લઇને ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરી

*    બંને રાજ્યોમાં કોની સરકાર બનશે તે અંગે ૧૧મી ડિસેમ્બરે ફેંસલો થશે

*    મધ્યપ્રદેશમાં ૨૩૦ વિધાનસભા સીટ માટે ૨૮૯૯ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થયા

*    મધ્યપ્રદેશમાં કુલ ૫.૦૪ કરોડ મતદારો પૈકી મોટી સંખ્યામાં મતદાર શરૂઆતમાં મતદાન કરવા માટે બહાર આવ્યા અને અંતે ૬૫ ટકાથી વધુ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો

*    શાંતિપૂર્ણ મતદાનની ખાતરી કરવા માટે બંને રાજ્યોમાં અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી જેથી મતદારો પણ ઉત્સાહિત દેખાયા હતા

*    મધ્યપ્રદેશમાં કુલ ૬૫હજાર ૩૪૧ મતદાન કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યા

*    મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચોહાણની સામે પૂર્વ પ્રધાન અરૂણ યાદવ ચૂંટણી મેદાનમાં છે

*    તમામ જગ્યાએ ઇવીએમ મશીનથી મતદાન કરાયું

*    મધ્યપ્રદેશમાં ભાજપે સૌથી વધારે ૨૩૦ ઉમેદવારોને અને કોંગ્રેસે ૨૨૯ ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારી દીધા

*    મધ્યપ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ સિવાય બસપ દ્વારા ૨૨૭ ઉમેદવારોના ભાવિ ઇવીએમમા સીલ

*    તમામ મતદાન મથકો પર સીસીટીવી અને ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી

*    કોંગ્રેસ અને ભાજપની પ્રતિષ્ઠા દાવ પર લાગી ગઇ છે

*    કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીએ ઝંઝાવતી પ્રચાર કરીને સ્થિતિ પોતાની તરફેણમાં કરવાના તમામ પ્રયાસો કર્યા હતા જ્યારે ભાજપ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રચારમાં ભાગ લઇને સ્થિતી પોતાની તરફેણમાં કરવા માટે પ્રયાસ કર્યા હતા

*    ભાજપ તરફથી નરેન્દ્ર મોદી, કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીએ રાજકીય ગરમી જગાવી હતી

*    સોમવારના દિવસે સાંજે પાંચ વાગે ચૂંટણી પ્રચારનો અંત આવ્યો હતો

*    પ્રચારનો અંત આવ્યા બાદ ઉમેદવારોએ ઘરે ઘરે જઇને પ્રચાર કરવાની પ્રક્રિયા પણ અપનાવી હતી

*    આ વખતે ચૂંટણીમાં સ્થાનિક મુદ્દા વધુ છવાયા ન હતા

*    શિવરાજ સિંહે સવારે નવ વાગે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લીધો

*    કમલનાથે કોંગ્રેસ પાર્ટીને ૧૪૦ સીટો મળવાનો દાવો કર્યો

*    ભાજપને પ્રચંડ બહુમતિ મળશે અને સીટ ૨૦૦ ઉપર પહોંચશે તેવો શિવરાજ સિહે દાવો કર્યો

(7:46 pm IST)