Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

કોંગ્રેસનો બેવડો ચહેરો ઉજાગરઃ રાહુલ રાફેલ મામલે અનિલ અંબાણીને ઝાટકે છે તો કપિલ સિબ્બલ કોર્ટમાં તેમને બચાવે છે

સુપ્રિમ કોર્ટમાં અનિલ અંબાણીની કંપની આરકોમ વતી કેસ લડે છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ

નવી દિલ્હી, તા. ૨૮ :. કોંગ્રેસનો બેવડો ચહેરો બહાર આવ્યો છે. એક તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત રાફેલ ડીલમાં કૌભાંડની આશંકા વ્યકત કરી પીએમ મોદીની સરકાર ઉપર રીલાયન્સના અનિલ અંબાણીને લાભ પહોંચાડવાનો આરોપ મુકી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલ સુપ્રીમ કોર્ટમાં અનિલ અંબાણીના વકીલ તરીકે હાજર થયા છે. આ મામલો અનિલ અંબાણીની માલિકીવાળી આરકોમ દ્વારા પોતાની સંપત્તિ મોટા ભાઈ મુકેશ અંબાણીની રીલાયન્સ જીયોને વેચવા સાથે જોડાયેલો છે.

અનિલ અંબાણીએ વર્ષ ૨૦૧૭માં આરકોમની સંપત્તિ રીલાયન્સ જીયોને વેચવાનો નિર્ણય લીધો હતો. જેમાં ટાવર, સ્પેકટ્રમ અને ફાયબર સંપત્તિ સામેલ હતી. અનિલ અંબાણીએ સંપત્તિના વેચાણનો નિર્ણય દેવાળીયાની કાર્યવાહીથી બચવા માટે લીધો હતો.

રાફેલ ડીલના આરોપોનો સામનો કરી રહેલા અનિલ અંબાણીના વકિલ તરીકે સિબ્બલ મેદાનમાં ઉતરતા કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે, પરંતુ કોંગ્રેસના અમુક નેતાઓએ આને વ્યકિતગત મામલો ગણાવ્યો છે. પ્રવકતા મનિષ તિવારીએ કહ્યુ છે કે રાજકારણ અને વ્યવસાયને અલગ રાખવા જોઈએ. અમે કોર્ટમાં હાજર થઈ છીએ તો અમે કોંગ્રેસ પક્ષના સભ્ય તરીકે નથી થતા.

સિબ્બલે પણ સ્પષ્ટતા કરતા કહ્યુ છે કે હું હંમેશા રાફેલ ડીલની ટીકા કરૂ છુ. મારો અને પક્ષનો આ મામલે વિચાર એક છે. હું જ ડીલની માહિતી લઈ પ્રેસ વચ્ચે ગયો હતો. હું રાફેલ ડીલના મામલામાં અનિલ અંબાણીનો બચાવ નથી કરતો અને નહિ કરૃં. જે મામલાનો ઉલ્લેેખ થાય છે તે અનિલ અંબાણી અને દૂરસંચાર વિભાગ વચ્ચેનો છે. આમા બેવડા માપદંડનો સવાલ કયાં આવ્યો ? (૨-૨૩)

(3:27 pm IST)