Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

કોરોનાની શરૂની વેક્સિન બધાને અસર નહીં કરે

વેક્સિન આવ્યા પહેલાંજ તેની સફળતા પર સવાલ : યુનાઈટેડ કિંગડમની કોવિડ વેક્સીન ટાસ્ક ફોર્સના પ્રમુખ કેટ બિંઘમના અભિપ્રાયે શરૂઆતની વેક્સિન અધૂરી હશે

લંડન, તા. ૨૮ :  કોરોના વાયરસની રસીની દુનિયાભરમાં આતુરતાથી રાહ જોવાઈ રહી છે ત્યારે બ્રિટિશના હેલ્થ એક્સપર્ટે 'અતિ આશાવાદ'થી બચવાની સલાહ આપી છે. યુનાઈટેડ કિંગડમની કોવિડ વેક્સીન ટાસ્ક ફોર્સના પ્રમુખ  કેટ બિંઘમએ કહ્યું છે કે શરુઆતની રસી અધૂરી હોઈ શકે છે. મેડિકલ જર્નલ 'ધ લેસેટ'માં યુકેની વેક્સીન ટાસ્ક ફોર્સની પ્રમુખે લખ્યું છે કે શરુઆતમાં કોવિડ-૧૯ વેક્સીન પરફેક્ટ નહીં હોય, તેની સંભાવના વધુ છે. બીજી તરફ વેક્સીનના ટોપ કેન્ડિડેટ્સમાંથી એક ફાઈઝરે આ વર્ષે રસી ઉપલબ્ધ થવાની સંભાવના વ્યક્ત કરી છે. કંપનીના ચીફ એક્ઝીક્યુટિવ અલ્બર્ટ બ્રૂર્લાએ કહ્યું કે જો ક્લિનિકલ ટેસ્ટિંગ આશા પ્રમાણે ચાલે અને રેગ્યુલેટર્સને અપ્રુવલ આપવામાં આવે તો તે અમેરિકાને ૨૦૨૦માં જ ૪ કરોડ ડોઝ સપ્લાય કરી શકે છે.

ન્યૂઝ એજન્સી મુજબ, કેટ બિંઘમે કહ્યું છે કે એવી સંભાવના છે કે શરુઆતમાં કોરોના વાયરસની રસી બધા પર અસર નહીં કરે. તેમણે એમ પણ કહ્યું છે કે, *જોકે, અમને નથી ખબર કે ક્યારેય કોરોના વાયરસની વેક્સીન મળી શકશે કે નહીં. એ મહત્વપૂર્ણ છે કે આપણે બેદરકારી ના દાખવીએ અને અતિ-આશાવાદથી બચીએ.* એટલે કે કોરોના વાયરસથી બચવા માટે સામાજિક અંતર અને માસ્ક સૌથી મહત્વપૂર્ણ છે.

ફાઈઝરે અમેરિકાની સરકારને આ વર્ષના અંત સુધીમાં કોરોના વાયરસની રસીના ૪ કરોડ ડોઝ સપ્લાય કરવાના છે, અને આ કંપની માર્ચ ૨૦૨૧ સુધીમાં ૧૦ કરોડ ડોઝ સપ્લાય કરવાની છે. તેમણે એ પણ જણાવ્યું કે, *જો બધું બરાબર રહ્યું તો અમે શરુઆતના ડોઝ ડિસ્ટ્રીબ્યુટ કરી શકીશું.* જોકે, આ કંપનીની કોરોના વેક્સીન હજુ સુધી તેની નક્કી કરેલી અસરકારકતા સુધી પહોંચી શકી નથી. બૂર્લા મુજબ, કંપનીને આશા છે કે તે નવેમ્બરના ત્રીજા અઠવાડિયા સુધીમાં કોરોના વાયરસની વેક્સીનને ઈમર્જન્સી ઉપયોગ કરવાની મંજૂરી માટે અરજી કરી દેશે. તેમણે એમ પણ કહ્યું છે કે, *હું બળજબરીથી આ ના કરી શકું કે કોરોના વેક્સીન કામ કરશે. હું સાવધાની સાથે આશા વ્યક્ત કરું છું કે કોરોના વાયરસ વેક્સીન કામ કરશે.* એટલે કે હજુ કોરોના વાયરસની રસી આવે તેના માટે અમેરિકાએ રાહ જોવી પડી શકે છે.

ફાઈઝરને સતત ત્રીજા મહિને ૪ ટકાનુ નુકસાન ભોગવવું પડ્યું છે. કંપનીનું એવું અનુમાન છે કે કોરોનાના કારણે ડિમાન્ડ ઘટી જેનાથી ૫૦૦ મિલિયન ડૉલરનું નુકસાન થયું છે. ફાઈઝરના નફામાં ૭૧%નું નુકસાન નોંધાયું છે. જેને ૨.૧ બિલિયન ડૉલરનો પ્રોફિટ થયો છે. આવામાં કંપનીને પડી રહેલા ફટકાની અસર કોરોના વાયરસની રસીની ચાલી રહેલી કામગીરી પર પણ પડશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

ભારત અને અમેરિકાએ મંગળવારે કોરોના-૧૯ મહામારીથી લડવા માટે સમજૂતીનો સંકલ્પ બનાવ્યો છે. વિદેશ મંત્રી એસ જયશંકર અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ તથા અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયો અને સંરક્ષણ મંત્રી માર્ક ટી એસ્પર વચ્ચે ૨ ૨ બેઠકમાં કોરોના પર પણ ચર્ચા થઈ. નિવેદનમાં કહેવાયું છે કે, *તેમણે રસી, ઉપચાર, નિદાન, વેન્ટિલેટર અને અન્ય જરુરી ચિકિસ્તા ઉપકરણોના વિકાસમાં સહયોગ મજબૂત કરવાનો સકલ્પનું પૂનરાવર્તન કર્યું છે.

(8:01 pm IST)