Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

21 નવેમ્બરના રોજ લેવાનારી સી.એ.ની પરીક્ષામાં સ્ટુડન્ટ્સની આરોગ્ય સુરક્ષા મામલે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ : કોવિદ -19 સંજોગોમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા શું આયોજન કરાયું છે તે અંગે માહિતી માંગી : 2 નવેમ્બરના રોજ સુનાવણી

ન્યુદિલ્હી : 21 નવેમ્બરના રોજ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે.આ પરીક્ષા મે માસમાં લેવાની હતી પરંતુ કોરોના વાઇરસને કારણે સમગ્ર દેશમાં  લોકડાઉન હોવાથી લઇ શકાઇ નહોતી.
હવે આગામી 21 નવેમ્બરના રોજ લેવાનારી પરીક્ષામાં પરીક્ષાર્થીઓની સંખ્યા સ્વાભાવિક ડબલ થઇ જશે.સામે પક્ષે કેન્દ્ર સરકારના કોવિદ -19 માટેના નિયમોનું પણ પાલન કરવાનું હોવાથી પરીક્ષા કેન્દ્રોમાં એક સાથે એકસોથી વધુ લોકોને ભેગા કરવાનો પણ સવાલ ઉભો થશે.તેમજ પરીક્ષા કેન્દ્રોની સંખ્યા પણ ઓછી પડશે.
પરીક્ષાર્થીઓના ધસારાને હિસાબે જેતે શહેરોમાં સ્ટુડન્ટ્સને રહેવા તથા જમવાની સુવિધા મળી રહેશે કે કેમ તે પણ સવાલ છે.કોવિદ - 19 મહામારી વચ્ચે પરીક્ષાર્થીઓ સંક્રમિત ન થાય તે માટે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા  શું આયોજન કરવામાં આવ્યું છે તે અંગે માહિતી માંગતી પિટિશન સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે.
નામદાર કોર્ટએ  પિટિશનની કોપી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાને આપવા પિટિશનર્સને જણાવ્યું છે.જે અંગે આગામી સુનાવણી માટે 2 નવેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી છે તેવું બી એન્ડ બી દ્વારા જાણવા મળે છે.

(7:40 pm IST)