Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

તાજમહેલમાં ભગવો ફરકાવી શિવ ચાલીસાના પાઠ કર્યાઃ સુરક્ષા એજન્સીઓમાં હડકંપઃ તાજમહેલ એ શિવમંદિર 'તેજોમહાલય' છે

આગ્રાઃ જયદશમી પર્વ પર એક યુવકે તાજમહેલ સંકુલમાં ભગવો ધ્વજ લહેરાવીને શિવ ચાલીસાના પાઠ કર્યા હતા. આ અંગેની જાણ સુરક્ષા એજન્સીઓ સુધી પહોંચતા જ હડકંપ મચી ગયો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સીઆઈએસએફ જવાનોએ યુવકની ધરપકડ કરી હતી. પરંતુ પૂછપરછ બાદ તેને છોડી દીધો હતો. ધ્વજ લહેરાવતો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. ભારતીય પ્રવાસીઓ ઉપરાંત વિદેશીઓ પણ તાજમહેલ જોવા માટે મોટી સંખ્યામાં આવે છે. તેથી અહીંની સુરક્ષા વ્યવસ્થા એકદમ ચુસ્ત છે.

અર્ધ લશ્કરી દળ, સીઆઈએસએફને અહીંની સુરક્ષા વ્યવસ્થા સંભાળવાની જવાબદારી સોંપવામાં આવી છે. રવિવારે વિજયાદશમીના તહેવાર પર હિન્દુ જાગરણ મંચના કાર્યકરો ભગવો ધ્વજ લઇને તાજમહેલ સંકુલમાં પ્રવેશ્યા હતા.

તાજમહેલના બગીચામાં બેંચ પર ઉભા રહીને તેણે ભગવો ધ્વજ લહેરાવ્યો. યુવકની ઓળખ હિંદુ જાગરણ મંચના જિલ્લા પ્રમુખ ગૌરવ ઠાકુર તરીકે થઈ છે. ગૌરવે કહ્યું કે આ શિવ મંદિર ''તેજોમહાલય'' છે, તેથી તેમણે શિવ ચાલીસાના પાઠ કર્યા છે અને ભગવો ધ્વજ ફરકાવ્યો છે. સીઆઈએસએફના કમાન્ડન્ટ રાહુલ યાદવે કહ્યું કે વાયરલ થયેલા વીડિયોની તપાસ ચાલુ છે. તપાસ બાદ જ કંઇક કહી શકાય.

(3:58 pm IST)