Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

વેચવાલીના દબાણે સેંસેક્સમાં ૬૦૦ પોઈન્ટનો ભારે કડાકો

કેપઃ ઈન્ડસઈન્ડ બેંકના શેરોને મોટું નુકશાન નિફ્ટી ૧૬૦ પોઈન્ટ તૂટીને ૧૧,૭૩૦ પોઈન્ટ પર બંધ

મુંબઈ, તા. ૨૮ : યુરોપિયન બજારોમાં વ્યાપક વેચવાલી વચ્ચે બુધવારે બીએસઈ સેન્સેક્સ ૬૦૦ પોઇન્ટ તૂટ્યો. બીએસઈનો ૩૦ શેરો વાળો સેન્સેક્સ એક સમયે ૩૯,૭૭૪.૬૦ પોઇન્ટ નીચે જતો રહ્યો હતો. પાછળથી તેમાં થોડો સુધારો થયો. તેમ છતાં, તે છેલ્લે પાછલા દિવસના બંધની તુલનામાં ૫૯૯.૬૪ પોઇન્ટ અથવા ૧.૪૮ ટકા ઘટીને ૩૯,૯૨૨.૪૬ પોઇન્ટ  પર બંધ રહ્યો હતો. આ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઈ)નો નિફ્ટી ૧૫૯.૮૦ પોઇન્ટ એટલે કે ૧.૩૪ ટકા ઘટીને ૧૧,૭૨૯.૬૦ પર બંધ રહ્યો છે.

સેન્સેક્સમાં સામેલ શેરોમાં ઇન્ડસઇન્ડ બેક્ન સૌથી વધુ નુકશાન રહ્યું હતું. તેમાં ૩ ટકાથી વધુનો ઘટાડો થયો છે. આ ઉપરાંત એચડીએફસી, એચડીએફસી બેક્ન, આઈસીઆઈસીઆઈ બેંક, ટેક મહિન્દ્રા, બજાજ ફાઇનાન્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને ટાટા સ્ટીલના શેરમાં પણ ઘટાડો થયો છે. બીજી તરફ, ભારતી એરટેલ સૌથી વધુ ફાયદાકારક રહી હતી. કંપનીનો શેર ૪ ટકાથી વધુ મજબૂત થયો છે. દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપનીએ જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં અત્યાર સુધીની સૌથી વધુ સંકલિત આવક નોંધાવી છે. આનાથી કંપનીને તેનું નુકસાન ઘટાડવામાં મદદ મળી. ૨૦૨૦-૨૧ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીની એકીકૃત આવક ૨૨ ટકા વધીને ૨૫,૭૮૫ કરોડ રૂપિયા થઈ છે. તેનાથી તેની ચોખ્ખી ખોટ રૂ ૭૬૩ કરોડ રહી ગઈ છે. આ સિવાય મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારુતિ અને એલ એન્ડ ટીને પણ ફાયદો થયો છે. વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, કોવિડ -૧૯ ના વધતા જતા મામલા વચ્ચે યુરોપિયન બજારોમાં ખુલતા વેપારમાં તીવ્ર ઘટાડા બાદ સ્થાનિક શેર બજારોમાં વ્યાપક વેચવાલી જોવા મળી હતી. માસિક વ્યવહારોના સમાધાનની દ્રષ્ટિએ અને યુ.એસ. રાષ્ટ્રપતિની ચૂંટણી પૂર્વે ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં નોંધપાત્ર અસ્થિરતા હતી. યુરોપના મુખ્ય શેર બજારોમાં શરૂઆતના વેપારમાં ૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો. એશિયાના અન્ય બજારોમાં, હોંગકોંગ અને ટોક્યોના બજાર નુકશાનમાં રહ્યા હતા, જ્યારે શાંઘાઇ અને સિઓલ વૃધ્ધિ સાથે બંધ રહ્યા હતા. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય ઓઇલ સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ ૩.૨૦ ટકા ઘટીને ૪૦.૨૮ ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યો હતો.

(7:59 pm IST)