Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

બેન્કોની દરેક સેવામાં હવે ચાર્જ લાગશે

નવી દિલ્હી, તા.૨૮: દેશમાં બેન્કીંગ સેવાઓ પણ હવે મફતમાં નહી મળે. ખાતેદારોએ હાલ એટીએમ ઉપાડમાં એક મર્યાદા બાદ ચાર્જ તો ચૂકવવો જ પડે છે. હવે તેનો દરેક વ્યવહાર ચાર્જેબલ બની જશે. ખાસ કરીને બેન્ક શાખામાં જઈને કરાતા વ્યવહારો ચાર્જેબલ હશે અને તેમાં દરેક વ્યવહારોમાં એક મર્યાદીત સંખ્યા ફ્રી રાખ્યા બાદ વધારાના વ્યવહારોમાં ચાર્જ વસુલાશે. ઉપરાંત તેના પર જીએસટી હેઠળ સર્વિસ ટેક્ષ પણ વસુલાશે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા તેના ગ્રાહકોને જે નાણા ડિપોઝીટ-મશીન મારફત જમા કરાવે છે તેની પાસે પ્રત્યેક વ્યવહારના ચાર્જ અધુરો જ છે. હવે તેવા ઓટોમેટીક મશીનથી થતા વ્યવહારોમાં પણ તમામ બેન્કો કોઈને કોઈ પ્રકારે ચાર્જ વસુલશે. જાહેર ક્ષેત્રની બેન્ક ઓફ ઈન્ડીયા, પીએનબી અને સેન્ટ્રલ બેન્ક અને ખાનગી ક્ષેત્રની એકસીસ બેન્ક તેના પર વિચારણા કરી જ રહી છે. બેન્ક ઓફ બરોડાએ તેના ગ્રાહકોના કરન્ટ એકાઉન્ટ, કેશ ક્રેડીટ એકાઉન્ટ, ઓવરડ્રાફટ અને બચતખાતામાં આ પ્રકારના વ્યવહારોમાં અલગ અલગ ચાર્જ નિશ્ર્ચિત કરી જ લીધા છે. જેમાં નાણા જમા કરાવવા, ઉપાડ વિ.માં ચાર્જ લાગશે. જેમાં સેવિંગ્સ ખાતા સિવાયના રોજબરોજના વ્યવહારોના ખાતામાં રોજ રૂ.૧ લાખ સુધીની રકમ જમા કરાવવા (રોકડ) પર કોઈ ચાર્જ લેવાશે નહી. પરંતુ બાદમાં વધારાની રકમ પર પ્રતિ ૧૦૦૦ રૂ. પર રૂ.૧નો ચાર્જ લદ્યુતમ રૂ.૫૦ અને મહતમ રૂ.૨૦૦૦૦ લેવાશે.

જયારે મહિનામાં ત્રણ વખત રોકડ ઉપાડ પર કોઈ ચાર્જ નહી પણ ચોથી વખતથી દરેક ઉપાડ પર પ્રતિ વ્યવહાર રૂ.૧૫૦ ચાર્જ લાગશે. બચત ખાતેદારો પણ હવે વધુ ચાર્જ હેઠળ આવશે. જેમાં મહિનામાં ત્રણ વખત જમા કરાવવાનું નિશુલ્ક અને ચોથીવારની દરેક જમા પર રૂ.૪૦નો ચાર્જ લાગશે.

આજ રીતે ત્રણ વખત મફત વિથડ્રો હશે. ચોથા વખતથી દરેક વ્યવહારોમાં રૂ.૧૦૦નો ચાર્જ લાગશે. આ પ્રકારના સિનીયર સીટીઝને પણ કોઈ છૂટ નથી તેને પણ સામાન્ય વ્યવહાર જેવો જ ચાર્જ લાગશે. જનધન ખાતાઓને પણ હવે ઉપાડ માટે રૂ.૧૦૦નો ચાર્જ લાગશે.

બેન્કો ગ્રાહકોને આ ચાર્જ અંગે બહુ મોટા પાયે જાહેરાત કરતી નથી. બ્રાન્ચમાં બોર્ડ મારી દેવાય છે. બેન્કો ગ્રાહકો પાસેથી હવે લેજર ફોલીયો ચાર્જ લેવાય છે. અગાઉ બેન્કીંગ વ્યવહાર હાથથી ચોપડામાં થતા હતા તેથી દરેક પાના દીઠ ચાર્જ લેવાતો હતો.. હવે તે કોમ્પ્યુટર પર થાય છે છતાં પ્રતિ પેઈજ રૂ.૨૦૦ જેવો તગડો ચાર્જ લેવાય છે. બેન્કો હવે ૧૦થી૨૫ પાનાની ચેક બુક પ્રથમ વખત ફ્રી આપે છે પછી દરેક ચેક બુક માટે રૂ.૨૦/૨૫નો ચાર્જ વસુલે છે. ચેક રીટર્ન ચાર્જ તો તગડા થતા ગયા છે જે રૂ.૨૨૫ થી રૂ.૪૫૦ સુધી વસુલાય છે.

(3:41 pm IST)