Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

ભાજપ અને એનડીએની ઓળખ છે કે જે કહે છે તે કરી બતાવે છે મોદી

પટણા, તા.૨૮: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી એ આજે બિહારના દરભંગામાં તોફાની રેલી કરતા જનસભાને સંબોધન કર્યું. આ દરમિયાન પીએમ મોદીની સાથે મુખ્યમંત્રી નીતિશકુમાર પણ હાજર રહ્યા હતાં. તેમણે પીએમ મોદીનો આભાર વ્યકત કરતા કહ્યું કે દરભંગામાં AIIMS બનાવવાનો નિર્ણય લીધો, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનશે. તમે લોકો એકવાર ફરીથી તક આપશો તો પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ફરીથી સરકાર બનાવીશું. એક એક મત NDAના તમામ ઉમેદવારોને આપો. બિહારને વિકિસત રાજય બનાવીશું.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દરભંગામાં ચૂંટણી સભાને સંબોધિત કરતા અનેક મોટી વાતો કરી. તેમણે પોતાનું સંબોધન 'ભારતમાતા કી જય'ના નારાથી શરૂ કર્યું. તેમણે કહ્યું કે આજે માતા સીતા પોતાના પીયરને તો પ્રેમથી નીહાળતા હશે. અયોધ્યા ઉપર પણ આજે  અહીંની નજર હશે. સદીઓની તપસ્યા બાદ આખરે અયોધ્યામાં શ્રીરામ મંદિરનું નિર્માણ શરૂ થઈ ગયુ છે. રાજકીય લોકો જે વારંવાર અમને તારીખ પૂછતા હતાં, હવે મજબૂરીમાં તાળીઓ પાડે છે. NDAના ઓળખ છે, અમે જે કહીએ તે કરીને બતાવીએ છીએ.

પીએમ મોદીએ કહ્યું કે 'છેલ્લા ૧૫ વર્ષોમાં બિહાર નીતિશજીના નેતૃત્વમાં ખુબ આગળ વધ્યું છે. આજે બિહારમાં પહેલા તબક્કાનું મતદાન ચાલુ છે. જયાં જયાં ચૂંટણી ચાલુ છે ત્યાંના તમામ સાથીઓને મારો આગ્રહ છે કે કોરોનાથી બચવા માટે સાવધાની વર્તો. તેમણે કહ્યું કે ભાજપ અને NDAના ઓળખ છે કે જે કહે છે તે કરી બતાવે છે. દેશમાં પહેલીવાર એવું બન્યું છે કે જયારે મેનિફેસ્ટોને ઉઠાવીને આકલન કરાય છે કે હવે કયું પગલું સરકાર ઉઠાવવાની છે.

પીએમ મોદીએ કહ્યું કે અમે કહ્યું હતું કે દરેક ખેડૂતના બેંક ખાતામાં સીધી મદદ મોકલીશું. આજે લગભગ એક લાખ કરોડ રૂપિયાની સીધી મદદ ખેડૂતોના ખાતામાં જમા થઈ ગઈ છે. અમે કહ્યું હતું કે દરેક ગરીબનું બેંકખાતું ખોલાવીશું. આજે ૪૦ કરોડથી વધુ ગરીબોના ખાતા ખુલી ચૂકયા છે. તેમણે કહ્યું કે અમે કહ્યું હતું કે દરેક ગરીબ બહેન-દીકરીની રસોઈમાં મફત ગેસ કનેકશન પહોંચાડીશું. આજે  ઉજ્જવલા યોજનાએ બિહારના લગભગ ૯૦ લાખ મહિલાઓને લાકડાના ધૂમાડાથી મુકત કરી છે. અમે કહ્યું હતું કે દરેક ગરીબને ૫ લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા આપીશું. આજે બિહારના પણ દરેક ગરીબને આ સુવિધા મળી રહી છે.

કોરોના વિશે પ્રધાનમંત્રીએ કહ્યું કે 'કોરોનાના આ સંકટકાળમાં અમે કહ્યું હતું કે દરેક ગરીબને મફત અનાજ આપીશું. દુનિયાને નવાઈ લાગે છે કે ૧૩૦ કરોડની વસ્તીવાળા દેશમાં ૮ મહિના સુધી કોઈ વ્યકિત ભૂખ્યું ન સૂવે તેની આટલી મોટી વ્યવસ્થા કોરોનાકાળમાં કરવામાં આવી.' તેમણે એમ પણ કહ્યું કે આ વિસ્તારમાં પાણીથી થનારી બિમારીઓની મુશ્કેલી હંમેશા રહી છે. આ સમસ્યાનો મોટો ઈલાજ છે દરેક ઘરે પીવાનું ચોખ્ખુ પાણી પહોંચે. પૂરી તાકાતથી આ કામ બિહારમાં કરવામાં આવ્યું છે.

પીએમ મોદીએ કહ્યું કે NDAના આ જ ટ્રેક રેકોર્ડ આજે બિહારમાં જન જનને ખાતરી કરાવનારો છે. NDA અને ભાજપે વિકાસનો જે રોડમેપ પોતાના મેનિફેસ્ટોમાં ખેંચ્યો છે તેના પર ઝડપથી અમલ થશે તે નક્કી છે. આત્મનિર્ભર ભારતનો જે સંકલ્પ લીધો છે તેના પર અમે વધુ ઝડપથી આગળ વધીશું.

તેમણે કહ્યું કે 'દરભંગામાં એમ્સ બનવાથી મિથિલાંચલને ખુબ મોટી સુવિધા મળશે. દરભંગા એમ્સ માટે ૧૨૦૦ કરોડ રૂપિયા મંજૂર કરાયા છે. એમ્સ બનવાથી અહીંના લોકોને વધુ સારી સ્વાસ્થ્ય સુવિધા મળશે, મેડિકલના અભ્યાસની બેઠકો પણ વધશે. દરભંગામાં એરપોર્ટની આધુનિક સુવિધાઓ મળવાથી આખા મિથિલાંચલની કનેકિટવિટી વધુ સશકત થશે. રામાયણ સર્કિટનો મહત્વનો ભાગ હોવાના કારણે મિથિલાંચલમાં પર્યટન, તીર્થાટનની સંભાવનાઓનો વિસ્તાર થશે.'

પ્રધાનમંત્રીએ કહ્યું કે  'ગરીબો માટે જે ૧૦ ટકા અનામતની વ્યવસ્થા કરવામાં આવી છે, તેનો લાભ પણ આ વિસ્તારના યુવાઓને મળવાનો નક્કી છે. આ સાથે જ સરકારે આપણા અનુસૂચિત, પછાતો, અતિ પછાત ભાઈ બહેનો માટે પણ અનામતને જે આગળના ૧૦ વર્ષ માટે વધારી છે તે પણ અહીંના યુવાઓ માટે લાભકારી છે.'

તેમણે કહ્યું કે 'પહેલાના સમયમાં જે લોકો સરકારમાં હતાં તેમનો મંત્ર હતો-'પૈસા હજમ પરિયોજના ખતમ'. તેમને કમિશન શબ્દથી એટલો બધો પ્રેમ હતો કે કનેકિટવિટી પર કયારેય ધ્યાન આપ્યું નહીં. કેન્દ્રમાં એનડીએની સરકાર બન્યા બાદ કોસી મહાસેતુનું કામ અનેકગણું ઝડપથી થયું. થોડા દિવસ પહેલા જ મને કોસી મહાસેતુના લોકાર્પણનું સૌભાગ્ય મળ્યું છે. તેનાથી ૩૦૦ કિલોમીટરનું અંતર ૨૦-૨૨ કિમી સુધીમાં સમેટાઈ ગયું છે. હવે ૮ કલાકની મુસાફરી ફકત અડધા કલાકમાં પૂરી થઈ જશે.

પીએમ મોદીએ કહ્યું કે બિહારના લોકોને વિકાસના આવા જ કામોની ગતિ વધારવા માટે મતદાન કરવાનું છે. બિહારના વિકાસના વ્યાપક રોડમેપનો આગામી તબક્કો છે આત્મનિર્ભર બિહાર, આત્મનિર્ભર મિથિલાંચલ. અહીં મિથિલા પેન્ટિંગ, કૃષિ, ડેરી ઉદ્યોગ, માછલી ઉત્પાદન, અને કારોબાર સંબંધિત અનેક સંભાવના છે.

તેમણે કહ્યું કે બિહારના લોકોએ નક્કી કરી લીધુ છે કે બિહારમાં જંગલરાજ લાવનારી તાકાતોને ફરી હરાવીશું. બિહારના લોકોએ નક્કી કરી લીધુ છે કે બિહારને લૂંટનારાઓને ફરી હરાવીશું. આ પ્રતિભાશાળી ધરતીના યુવાઓને દગો આપનારાઓને ફરી હરાવીશું. ભ્રષ્ટાચારીઓને સંભળાવતા તેમણે કહ્યું કે જે લોકોની ટ્રેનિંગ સમાજના ભાગલા પાડીને રાજ કરવાની હોય, જે લોકોની ટ્રેનિંગ કમિશનખોરી રહી હોય તેઓ બિહારના હિતમાં કયારેય વિચારી શકે નહીં.

પીએમ મોદીએ કહ્યું કે 'એકબાજુ NDA છે, આત્મનિર્ભર બિહાર બનાવવાનો સંકલ્પ લઈને ઊભું છે. બીજી બાજુ એવા લોકો છે જે બિહારની વિકાસની પરિયોજનાઓના પૈસા પર નજર જમાવીને બેઠા છે.

(3:02 pm IST)