Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

નિકાસકારોની મુશ્કેલી વધી:નૂર દરમાં જબરો વધારો અને કન્ટેનરોની અછત : આયાત -નિકાસના ગણિત ખોરવાયા

નિકાસકારોએ વાણિજ્ય મંત્રાલયને દરમિયાનગીરી કરવા રજુઆત કરી

મુંબઈ: નૂર દરમાં વધારો તથા કન્ટેનર્સની અછત સામે દેશના નિકાસકારોએ ચિંતા વ્યકત કરી છે અને તેને કારણે નિકાસ પર અસર પડશે તેવો દાવો કરીને નિકાસકારોએ વાણિજ્ય મંત્રાલયને આ મુદ્દે દરમિયાનગીરી કરવા રજુઆત કરી છે.વાણિજ્ય તથા ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલ સાથે તાજેતરમાં યોજાઈ ગયેલી બેઠકમાં નિકાસકારોએ આ ઉપરાંત બીજા કેટલાક મુદ્દા ઉપસ્થિત કર્યા હતા. ચર્ચામાં વિવિધ એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલ્સના હોદ્દેદારોએ ભાગ લીધો હતો.

ફેડરેશન ઓફ ઈન્ડિયન એકસપોર્ટ ઓર્ગેનાઈઝેશન્સ (ફીઓ)ના પ્રમુખ એસ. કે. શરાફે જણાવ્યું હતું કે, નૂર દરમાં નિકાસ મથકો પ્રમાણે ૩૦થી ૫૦ ટકા વધારો થયો છે. પંજાબમાં ખેડૂત આંદોલનને કારણે કન્ટેનર્સની હેરફેર પર અસર કરી છે જેનો ઉપયોગ માલસામાનની નિકાસ માટે થાય છે.

આ મુદ્દા ગોયલ સાથેની બેઠકમાં ઉપસ્થિત કરાયા હતા કારણ કે નિકાસકારો સામે તે મુખ્ય પડકારો બની ગયા છે, તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું. અંદાજે દસ હજાર જેટલા કન્ટેનર્સ અટવાઈ પડયા છે જેને કારણે આયાત-નિકાસના ગણિતો ખોરવાઈ રહ્યા છે.

આ ઉપરાંત મરચંડાઈસ એકસપોર્ટસ ફ્રોમ ઈન્ડિયા સ્કીમ (એમઈઆઈએસ) ફન્ડસ તથા કસ્ટમ્સ સત્તાવાળા દ્વારા ફેસલેસ એસેસમેન્ટના મુદ્દા પણ ઊભા કરાયા હતા.વર્તમાન નાણાં વર્ષના સપ્ટેમ્બર ત્રિમાસિકમાં દેશની નિકાસ વાર્ષિક ધોરણે ૧૬.૬૬ ટકા ઘટી ૨૨૧.૮૬ અબજ ડોલર રહી હતી જ્યારે આયાત ૩૫.૪૩ ટકા ઘટી ૨૦૪.૧૨ અબજ ડોલર રહી હતી.

(2:10 pm IST)