Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

મુકેશ અને અનિલ અંબાણીની ઝેડ પ્લસ સિકયોરિટી હટાવી લેવાની માગણી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી : પણ સ્પષ્ટ કહ્યું કે પૈસાદાર લોકો પોતાની સુરક્ષાનો ખર્ચ પોતે જ ઉઠાવે

સુપ્રીમે કહ્યું કે, સરકારે આવા લોકો ઉપરના જોખમ અને તેની સુરક્ષાની વ્યવસ્થાની સમયાંતરે સમીક્ષા કરતા રહેવું જોઈએ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે અંબાણી બંધુઓ-મુકેશ અંબાણી અને અનિલ અંબાણી પાસેથી Z+ સિકયોરિટી કવર પરત લેવા માટેની એક અરજી ફગાવી દીધી હતી. કોર્ટે બોમ્બે હાઈકોર્ટની એ ટિપ્પણીનું પણ સમર્થન કર્યું હતું કે, ઉચ્ચસ્તરીય સુરક્ષા, એ લોકોને આપવામાં આવી જોઈએ, જેઓને જીવનું જોખમ હોય અને જે સુરક્ષાનો ખર્ચ ઉઠાવા માટે તૈયાર હોય. અરજીકર્તાએ અંબાણી બંધુઓ પાસેથી સુરક્ષા પરત લેવાની માગ કરી હતી અને રજુઆત કરેલ કે, તે પોતાના ખર્ચ પર પોતાની સુરક્ષાની વ્યવસ્થા કરવામાં સક્ષમ છે.

બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે, કાનૂનનું રાજ સુનિશ્યિત કરવું એ રાજયની જવાબદારી છે. તેવામાં એવા નાગરિકોને સુરક્ષા પ્રદાન કરવાનું પણ સામેલ છે જેઓ ઉપર જીવનું જોખમ હોય. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની રેવન્યૂીનો ભારતની ઞ્ઝ્રભ્ પર મોટો પ્રભાવ છે. આ લોકોના જીવના જોખમને હળવાશમાં લઈ શકાતું નથી.

અંબાણી બંધુઓ તરફથી કોર્ટમાં વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે, બંને ઉદ્યોગપતિ ભાઈઓ અને તેમના પરિવાર પર ખતરો છે. તેઓએ કહ્યું કે, અમે સરકાર તરફથી મળેલી સુરક્ષાના બદલે પેમેન્ટ કરીએ છીએ. તેના પર કોર્ટે સવાલ કર્યો હતો કે શું દરેક વ્યકિત જેને જીવનું જોખમ અનુભવાતું હોય અને જે સુરક્ષાનો ખર્ચ ઉઠાવવા તૈયાર હોય, તેને સરકાર તરફથી સુરક્ષા પ્રદાન કરવામાં આવવી જોઈએ? કોર્ટે કહ્યું કે, સરકારને કોઈના જોખમ અને તેની સુરક્ષાની વ્યવસ્થાની અવારનવાર સમીક્ષા કરતા જ રહેવું જોઈએ.

અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૧૩માં મુકેશ અંબાણીને ઝેડ પ્લસ સિકયોરિટી આપવાનો મુદ્દો ચર્ચામાં રહ્યો હતો. ત્યારે સુપ્રીમ કોર્ટે તત્કાલીન મનમોહનસિંહ સરકારે દેશના સૌથી અમીર વ્યકિતને ઝેડ પ્લસ સિકયોરિટી આપવાને લઈ જવાબ આપવા હાજર થવા જણાવ્યું હતું. કોર્ટે સરકારને પુછ્યું હતું કે આખરે અંબાણીને ઝેડ પ્લસ સિકયોરિટી કેમ આપવામાં આવી? કોર્ટે કહ્યું કે, આવા વ્યકિતઓને સુરક્ષા કેમ આપવામાં આવી રહી છે, જયારે સામાન્ય વ્યકિત પોતાને અસુરક્ષિત અનુભવી રહ્યો છે. દેશમાં સુરક્ષાની કમીને કારણે સામાન્ય લોકો અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે. કોર્ટે કહ્યું હતું કે, અમીર લોકો પ્રાઈવેટ સુરક્ષા એજન્સીઓની મદદ લઈ શકે છે.

કેન્દ્ર સરાકરે પોતાની વધતી ટીકાઓ બાદ સફાઈ આપી હતી કે તેઓની સુરક્ષાનો ખર્ચ અંબાણી જ ઉઠાવશે. એક અંદાજા પ્રમાણે CRPની સુરક્ષા ઉપર ૧૫ લાખનો ખર્ચ થાય છે. અને આ તમામ ખર્ચ અંબાણી જ ઉઠાવે છે.

(3:09 pm IST)