Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

કોરોનાએ રાજકોટ શહેર- જીલ્લામાં આજે ૫નો ભોગ લીધો : બપોર સુધીમાં ૨૨ કેસ

શહેરમાં કુલ કેસનો આંક ૮૩૯૭એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં કુલ ૭૬૫૮ દર્દીઓ સાજા થતા રિકવરી રેટ ૯૧.૪૮ ટકા થયો : સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ ગઇકાલે કોરોનાથી ૫ મોત પૈકી એક મૃત્યુની નોંધ : શહેર - જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ૨૦૫૯ બેડ ખાલી

રાજકોટ, તા. ૨૮:  કોરોનાથી  છેલ્લા ૨૪ કલાકમાં  રાજકોટ શહેર અને જીલ્લામાં આજે  ૫ના મોત થયા છે. જયારે શહેરમાં બપોર સુધીમાં ૨૨ કેસ નોંધાયા છે.

સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં ગઇકાલે  કોરોનાથી એક મૃત્યુની નોંધ થઇ છે.

આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ ગઇકાલ તા.૨૭નાં સવારે ૮ વાગ્યાથી તા.૨૮ને આજ સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લામાં ૫ દર્દીઓએ દમ તોડી દીધા હતો.

તંત્રની સતાવાર યાદીમાં કોવીડ-નોન કોવીડ થી શહેર-જીલ્લામાં ૫નાં મૃત્યુ જાહેર થયા છે. જયારે તે જ યાદીમાં સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં ગઇકાલે કોરોનાથી ૪ પૈકી એક  મૃત્યુ જાહેર કરવામાં આવ્યા છે.

કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમા ૨૦૫૯ બેડ ખાલી છે.

શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે.

નવા ૨૨ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૨૨ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં ૮૩૯૭ કુલ   પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી  ૭૬૫૮ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૯૧.૪૮ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૩૩૬૧  સેમ્પલ લેવાયા હતા.જેમાં ૬૬ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૧.૯૬  ટકા થયો  હતો. જયારે ૭૧  દર્દીઓને સાજા થયા હતા.

 છેલ્લા  છ  મહિનામાં એટલે કે માર્ચથી આજ દિન સુધીમાં ૩,૩૩,૧૪૯ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૮૩૯૭  સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૫૧ ટકા થયો છે.

નવા ૯ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

શહેરમાં  ગઇકાલે ગુજરાત હાઉસીંગ બોર્ડ  - કાલાવડ રોડ, સરદારનગર - ૧૫૦ ફુટ રીંગ રોડ, સદ્દગુરુ નગર - સંત કબીર રોડ,  સખિયાનગર - એરપોર્ટ રોડ, ભકિતપાર્ક  - રેલનગર, રામેશ્વર પાર્ક - માયાણી નગર, મોચીનગર - ગાંધીગ્રામ, બેકબોન પાર્ક - ૫૦ ફુટ રોડ, પિરામિડ ટાવર - અમીન માર્ગ સહિતના નવા ૯  વિસ્તારો  માં માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જયારે હાલમાં ૪૩ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન કાર્યરત છે.

૩૮ હજાર ઘરોનો સર્વેઃ  માત્ર ૬ લોકોને તાવ-શરદી-ઉધરસના લક્ષણો

શહેરમાં કોરોના કાબુમાં લેવા માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા હવે સર્વેલન્સની કામગીરી ઝુંબેશાત્મક રીતે શરૂ કરાઇ છે. જે અંતર્ગત ગઇકાલે કુલ ૩૮, ૪૫૬ ઘરોમાં સર્વે દરમિયાન માત્ર ૧૬  વ્યકિતઓ તાવ - શરદી - ઉધરસના લક્ષણો ધરાવતા મળ્યા હતા.   જ્યારે  રેલનગર, રૈયાગામ, ગંગોત્રી પાર્ક, ગીતાનગર, આસોપાલવ સોસાયટી, તિરૂપતિ, ગોકુલ પાર્ક, ગંજીવાડા   સહિતનાં વિસ્તારોમાં  ૫૦ ધનવંતરી રથ મારફત ૧૦,૮૩૭ લોકોની પ્રાથમિક આરોગ્ય ચકાસણી થયેલ.

(2:55 pm IST)