Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

નોટબંધી વિરૂધ્‍ધ દાખલ ૫૮ અરજીઓ પર ૧૨ ઓકટોબરે સુનાવણી કરશે સુપ્રિમ કોર્ટ

કેન્‍દ્ર સરકારે ૨૦૧૬માં કરી હતી નોટબંધી : પાંચ જજોની બેંચ કરશે સુનવણી

નવી દિલ્‍હી તા. ૨૮ : વર્ષ ૨૦૧૬માં કેન્‍દ્ર સરકારે નોટબંધીની જાહેરાત કરી હતી અને ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની કરન્‍સી નોટને રદ કરી નાખી હતી. કેન્‍દ્રના આ નિર્ણયને પડકાર આપવામાં આવ્‍યો છે. આ કેસમાં દાખલ અરજીઓ પર ૧૨ ઓક્‍ટોબરે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે.

આ કેસની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટે બેંચની રચના કરી હતી જેમાં પાંચ જજ- જસ્‍ટિસ એસ અબ્‍દુલ નજીર, જસ્‍ટિસ બીઆર ગવઇ, જસ્‍ટિસ એએસ બોપન્ના, જસ્‍ટિસ વી.રામાસુબ્રમણ્‍યન અને જસ્‍ટિસ બીવી નાગરત્‍નાને સામેલ કરવામાં આવ્‍યા છે. નોટબંધી સિવાય આ બેંચ વધુ ચાર કેસની સુનાવણી કરશે.

મહત્‍વપૂર્ણ છે કે કેન્‍દ્રના નોટબંધીના નિર્ણયને પડકાર આપતા ૫૮ અરજીઓ પ દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ૨૭ સપ્‍ટેમ્‍બરથી સુપ્રીમ કોર્ટની સુનાવણીનું લાઇવ સ્‍ટ્રીમિંગ શરૂ થઇ ગયુ છે. આ કેસની સુનાવણીનું લાઇવ સ્‍ટ્રીમિંગ યૂ ટ્‍યુબ દ્વારા જોઇ શકાય છે. આ સ્‍ટ્રીમિંગને ના તો રેકોર્ડ કરી શકો છો અને ના તો કોઇની સાથે શેર કરી શકો છો. આ કેસની સુનાવણી કરનારી બેંચે કહ્યુ કે પહેલા આ તપાસ કરવામાં આવશે કે આ કેસ હવે એકેડમિક તો નથી બની ગયો.

૨૦૧૬માં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની આગેવાનીમાં સરકારે ૫૦૦ અને ૧ હજાર રૂપિયાની કરન્‍સી નોટને બંધ કરી દીધી હતી. તે બાદ સૌથ પ્રથમ અરજી વિવેક નારાયણ શર્માએ દાખલ કરી હતી જે બાદ આ કેસમાં વધુ ૫૭ અરજી દાખલ કરવામાં આવી હતી. હવે આ અરજીઓ પર એક સાથે સુનાવણી થશે. ૮ નવેમ્‍બર, ૨૦૧૬માં રાતના ૮ વાગ્‍યે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે દેશમાં ૫૦૦ રૂપિયા તથા ૧ હજાર રૂપિયાની કરન્‍સી નોટ રદ કરવામાં આવશે

(4:28 pm IST)