Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

કન્હૈયા કુમારે કહ્યુ કે કોંગ્રેસ બચશે ત્યારે દેશ બચશે : જિગ્નેશ મેવાણીએ બોલ્યા -આજે અમારૂ બંધારણ, લોકતંત્ર ખતરામાં, આપણે બચાવવાનું છે.

ભાઇ-ભાઇ એક બીજાના દુશ્મન બની જાય એટલુ ઝેર, નફરત સમજી વિચારેલા ષડયંત્ર હેઠળ નાગપુર અને દિલ્હીમાં ફેલાવી રહ્યા છે

નવી દિલ્હી : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં કન્હૈયા કુમાર અને જિગ્નેશ મેવાણી કોંગ્રેસમાં સામેલ થયા છે. કોંગ્રેસમાં સામેલ થયા બાદ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન કન્હૈયા કુમારે કહ્યુ કે કોંગ્રેસ બચશે ત્યારે દેશ બચશે. બીજી તરફ જિગ્નેશ મેવાણીએ કહ્યુ કે આજે અમારૂ બંધારણ, લોકતંત્ર ખતરામાં છે, તેને આપણે બચાવવાનું છે.

કન્હૈયા કુમારે કહ્યુ, મને અનુભવ થાય છે કે આ દેશમાં કેટલાક લોકો, તે માત્ર લોકો નથી, એક વિચાર છે. આ દેશની ચિંતન પરંપરા, સંસ્કૃતિ, ઇતિહાસ, વર્તમાન અને ભવિષ્ય ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ક્યાંક મે વાંચ્યુ હતુ કે તમે પોતાના દુશ્મનની ચૂંટણી કરો, મિત્ર પોતાની રીતે બની જશે, તો મે ચૂંટણી કરી છે. લોકતાંત્રિક પાર્ટીમાં અમે એટલા માટે સામેલ થવા માંગીએ છીએ કારણ કે હવે લાગવા લાગ્યુ છે કે જો કોંગ્રેસ નહી બચે તો દેશ નહી બચે.

કન્હૈયા કુમારે કહ્યુ કે, હું તમને સ્પષ્ટ કરી દઉં છુ કે દેશમાં વડાપ્રધાન હજુ પણ છે, પહેલા પણ હતા અને આગળ પણ આવતા રહેશે પરંતુ આજે જ્યારે આપણે લોકો રાહુલ ગાંધીની હાજરીમાં ફોર્મ ભરી રહ્યા હતા તો સાથી જિગ્નેશ મેવાણીએ બંધારણની કોપી આપી અને અમે ગાંધી-આંબેડકર અને ભગત સિંહની તસવીર આપી. કારણ કે આજે આ દેશને ભગત સિંહના સાહસની જરૂર છે. આંબેડકરની સમાનતાની જરૂરત છે અને ગાંધીની એકતાની જરૂર છે.

કન્હૈયા કુમારે કહ્યુ, જે સૌથી મોટી વિપક્ષી પાર્ટી છે, તેને બચાવવામાં ના આવી તો દેશ નહી બચે. મોટા જહાજને બચાવવામાં ના આવ્યુ તો નાની નાની હોડીઓ પણ નહી બચે. હું જ્યા જન્મ્યો, જે પાર્ટીમાં ઉછર્યો, તેને મને શીખવ્યુ, લડવાનો જુસ્સો આપ્યો છે. હું તે પાર્ટી સાથે લાખો-કરોડો લોકોનો આભાર માનવા માંગુ છુ, જે કોઇ પાર્ટીના નથી પરંતુ જ્યારે કોઇ પાર્ટી તરફથી અમારી ઉપર બિન જરૂરી આરોપ લગાવવામાં આવ્યા હતા ત્યારે તે વૉટ્સએપ પર અમારી માટે લડી રહ્યા હતા. આ દેશને કોંગ્રેસ જ નેતૃત્વ આપી શકે છે.

કન્હૈયા કુમારે કહ્યુ કે, મને પુરો વિશ્વાસ છે કે કોંગ્રેસ જે પોતાને લોકતાંત્રિક પાર્ટી કહે છે, તે સત્તાને સવાલ પૂછવા અને લોકોના સંઘર્ષ માટે લડવા માટે અમારો સાથ આપશે. કન્હૈયા કુમારે આરએસએસ પર હુમલો કરતા કહ્યુ કે આ સંઘ પરિવાર નથી. તે શું પરિવાર છે કે પોતાના પરિવારને છોડીને પરિવાર બનાવવો પડે. મહાત્મા ગાંધી પોતાની પત્ની સાથે અંગ્રેજો સામે લડ્યા. તમે ઇતિહાસ ઉઠાવીને જોઇલો બધા લોકો પોતાના પરિવાર સાથે રહેતા હતા.

જિગ્નેશ મેવાણીએ કહ્યુ કે જે કહાની ગુજરાતથી શરૂ થઇ, તેને 6-7 વર્ષમાં જે ઉત્પાત મચાવ્યો છે, તે બધુ તમારી સામે છે. આપણા બંધારણ પર હુમલો છે. આપણા આઇડિયા ઓફ ઇન્ડિયા પર હુમલો છે. લોકતંત્ર પર હુમલો છે. આજે ભાઇ-ભાઇ એક બીજાના દુશ્મન બની જાય એટલુ ઝેર, નફરત સમજી વિચારેલા ષડયંત્ર હેઠળ નાગપુર અને દિલ્હીમાં ફેલાવી રહ્યા છે. કઇ પણ કરીને આ દેશને બંધારણ, લોકતંત્ર અને આઇડિયા ઓફ ઇન્ડિયાને બચાવવુ છે અને તેની માટે મારે તેમની સાથે ઉભા થવાનું છે જેમણે અંગ્રેજોને ખડેદી નાખ્યા હતા, માટે હુ આજે કોંગ્રેસ સાથે ઉભો છું.

જિગ્નેશ મેવાણીએ વધુમાં કહ્યુ કે હું એક અપક્ષ ધારાસભ્ય છું, માટે ઔપચારીક રીતે કોંગ્રેસમાં જોડાઇ નથી શકતો પરંતુ 2022ની ચૂંટણી કોંગ્રેસના સિમ્બોલ પર જ લડીશ અને તેની માટે કેમ્પેઇન કરીશ. આજે રાષ્ટ્રીય સ્તર પર જે થઇ રહ્યુ છે, તે બધુ અમે ગુજરાતમાં ઝેલી ચુક્યા છીએ.

(7:11 pm IST)