Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

ભગતસિંહની જયંતીના પ્રસંગે રાહુલ ગાંધીની હાજરીમાં કન્હૈયા કુમાર અને જિગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાયા

બન્ને નેતા દિલ્હીના આઇટીઓ સ્થિત શહીદી પાર્ક પહોચ્યા બાદ રાહુલ ગાંધી સાથે ભગત સિંહની પ્રતિમા પર માળા અર્પણ કરી : ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પણ હાજર રહ્યા

નવી દિલ્હી :  ભગતસિંહની જયંતીના પ્રસંગે સીપીઆઇ નેતા કન્હૈયા કુમાર અને ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. આ પહેલા રાહુલ ગાંધી સાથે બન્ને નેતા દિલ્હીના આઇટીઓ સ્થિત શહીદી પાર્ક પહોચ્યા હતા. અહી ત્રણેય નેતાઓએ ભગત સિંહની પ્રતિમા પર માળા અર્પણ કરી હતી. આ દરમિયાન ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પણ હાજર રહ્યા હતા.

કોંગ્રેસમાં કન્હૈયા કુમાર અને જિગ્નેશ મેવાણીની ભૂમિકા શું હશે તેને લઇને તસવીર સ્પષ્ટ નથી. જોકે, કહેવામાં આવી રહ્યુ છે કે બન્ને યુવા નેતા દેશભરમાં યુવાઓને કોંગ્રેસ સાથે જોડવા અને મોદી સરકાર વિરૂદ્ધ આંદોલનની મુહિમ ચલાવી શકે છે. એવી પણ ચર્ચા છે કે બિહારમાં કન્હૈયા કુમાર અને ગુજરાતમાં જિગ્નેશ મેવાણીને કોંગ્રેસ મોટુ પદ પણ આપી શકે છે. આ રણનીતિ હેઠળ આવનારા દિવસોમાં કેટલાક યુવા નેતા કોંગ્રેસમાં સામેલ થશે.

ભાજપ શાસિત ગુજરાતમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા જિગ્નેશ મેવાણી કોંગ્રેસમાં સામેલ થઇ રહ્યા છે. જિગ્નેશ મેવાણી 2017માં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના સમર્થનથી બનાસકાંઠા જિલ્લાની વડગામ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા.

જવાહરલાલ નેહરૂ યૂનિવર્સિટી વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમારના પાર્ટીમાં સામેલ થયા પહેલા કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ ઇશારા-ઇશારામાં પોતાની જ પાર્ટી પર કટાક્ષ કર્યો હતો, તેમણે કોમ્યુનિસ્ટ વિચારક રહેલા કુમાર મંગલમના પુસ્તક કોમ્યુનિસ્ટ્સ ઇન કોંગ્રેસનો હવાલો આપ્યો હતો.

લોકસભા સભ્ય મનીષ તિવારીએ ટ્વીટ કર્યુ, કેટલાક કોમ્યુનિસ્ટ નેતાઓના કોંગ્રેસમાં સામેલ થવાની અટકળો છે. હવે 1973ના પુસ્તક કોમ્યુનિસ્ટ્સ ઇન કોંગ્રેસના પાના ફરીથી પલટાઇ જશે. લાગે છે કે વસ્તુ જેટલી વધુ બદલાય છે, તે એટલી જ પહેલાની જેમ બની રહે છે. આજે તેને ફરીથી વાંચુ છું.

(7:09 pm IST)