Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

૩ લોકસભા, ૩૦ વિધાનસભા સીટો પર ૩૦ ઓકટોબરે પેટાચૂંટણીઃ મતગણતરી ૨ નવેમ્બરે

દાદરા અને નગર હવેલી સહિત આ ૩ લોકસભા સીટો અને ૩૦ વિધાનસભા સીટો માટે ૩૦ ઓકટોબરે યોજાશે પેટાચૂંટણી, વાંચો સમગ્ર યાદી

નવી દિલ્હી, તા.૨૮: દેશમાં ૩ લોકસભા સીટો અને ૩૦ વિધાનસભા સીટી પર ૩૦ ઓકટોબરે પેટાચૂંટણી યોજાશે. ચૂંટણી પંચની જાણકારી મુજબ, આ મત વિસ્તારની પેટા ચૂંટણીની મતગણતરી ૨ નવેમ્બરે હાથ ધરવામાં આવશે. પશ્યિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી બાદ આ ચૂંટણી સૌથી મોટી કવાયત હશે.

ચૂંટણી પંચે જાણકારી આપી છે કે, કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ તથા દીવમાં ચૂંટણી થવાની છે. સાથોસાથ મધ્ય પ્રદેશ અને હિમાચલ પ્રદેશની એક-એક સીટ ઉપર પણ પેટાચૂંટણી યોજાશે. તેની સાથોસાથ વિવિધ રાજયોની ૩૦ વિધાનસભા સીટો ઉપર પણ પેટાચૂંટણી યોજાશે.

ચૂંટણી પંચે કોરોનાના કેસોને જોતાં લાંબા સમયથી આ સીટો પર પેટાચૂંટણી ટાળી હતી. જોકે, હવે દેશમાં કોરોના સંક્રમણના કેસો ૨૦ હજારથી ઓછા આવી રહ્યા છે, જે કોરોનાની બીજી લહેર દરમિયાન ૪ લાખને પાર થઈ ગયા હતા.

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ તથા દીવમાં પેટાચૂંટણી થવાની છે.

આ પહેલા ૩૦ સપ્ટેમ્બરે કોલકાતાની ભવાનીપુર સીટ પર વિધાનસભા પેટાચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણી બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી માટે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તેઓ પોતે ચૂંટણી મેદાનમાં છે. બંગાળમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં મમતા નંદીગ્રામ સીટથી ચૂંટણી લડી હતી, પરંતુ તેઓ બીજેપી ઉમેદવાર શુભેન્દુ અધિકારી સામે હારી ગઈ હતી. મુખ્યમંત્રીના પદ પર રહેવા માટે તેમણે ૬ મહિનાની અંદર વિધાનસભાનું સભ્ય બનવું આવશ્યક છે.

હિમાચલ પ્રદેશમાં ફતેહપુર અને આર્કી, જુબ્બાઇ કોટખાઈ સીટ પર વોટિંગ થશે. કર્ણાટકની સિંડગી અને હાંગલ સીટ પર મતદાન ૩૦ ઓકટોબરે થશે. મધ્ય પ્રદેશમાં પૃથ્વીપુર, રાયગાંવ, જોબાટ સીટ પર મતદાન થવાનું છે.

મહારાષ્ટ્રમાં પણ એક સીટ અને મેદ્યાલયની ત્રણ સીટો પર મતદાન થશે. રાજસ્થાનની વલ્લભગઢ, ધારિયાવાડ સીટ પર મતદાન થશે. બંગાળની દિનહાટા, સાંતીપુર, ખરદાહા અને ગોસાબા સીટ પર પેટાચૂંટણી માટે મતદાન થશે. આ સીટો માટે ૧ ઓકટોબરે અધિસૂચના જાહેર કરવામાં આવશે. નોમિનેશન માટેની છેલ્લી તારીખ ૮ ઓકટોબર છે.

લોકસભાની ૩ સીટો અને વિધાનસભાની ૩૦ સીટો પર પેટાચૂંટણીની પ્રક્રિયા સંપન્ન કર્યા બાદ ચૂંટણી પંચ ૫ રાજયોની વિધાનસભા ચૂંટણીની તૈયારી પર ફોકસ કરશે. ઉત્તર પ્રદેશ, ઉત્ત્।રાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં ચૂંટણી પ્રસ્તાવિત છે.

(3:29 pm IST)