Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

ભારેખમ બંદૂકો-તોપ-ફાઇટર પ્લેન

ચીનને જડબાતોડ જવાબ આપવા સૈન્ય સજ્જ

નવી દિલ્હી, તા.૨૮: કેટલાય તબક્કાની વાતચીત અને આશ્વાસન છતાં એલએસી આસપાસ ચીનની સૈનિક ગતિવિધીઓ ચાલુ જ છે. બોલીને ફરી જવું એ ચીન માટે કંઇ નવું નથી. જો કે ચીન આ સ્વભાવને જાણતું ભારત પણ હવે કોઇ બેદરકારી દાખવવાના મૂડમાં નથી અને ગલવાનધારીમાં ગયા વરસે થયેલ હિંસા જેવી કોઇ પણ આકસ્મિક પરિસ્થિતી સામે લડવા માટે તેણે કમર કસી લીધી છે. આ જ કારણ છે કે એલએસીના દુર્ગમ વિસ્તારોમાં ભારતે હથિયાર, તોપો, રોકેટ સીસ્ટમ વગેરે પહોંચાડવાનું શરૂ કરી દીધું છે. જેથી ભારતીય સેના યુધ્ધ માટે તૈયાર રહે.

ટીઓઆઇના સમાચારો અનુસાર, સૈનિકો પાછા હટવાની શકયતા નહીંવત હોવાથી ભારતે આ વિસ્તારમાં સૈનિક ગતિવિધીઓ વધારી દીધી છે અને હાઇટેક બંદૂકો, બોફોર્સ તોપ, રોકેટ સીસ્ટમ અને એમ-૭૭૭ અલ્ટ્રા લાઇટ હોવીત્ઝર જેવા સાધનો એલએસી પર તહેનાત કરી દીધા છે.

એમ-૭૭૭ હોવીત્ઝરને ચિનુક હેલીકોપ્ટરો દ્વારા એક સેકટરથી બીજા સેકટર સુધી એરલીફટ કરી શકાય છે. તો બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા બનાવાયે રોડના કારણે ભારે આર્ટીલરી બંદૂકો પણ આ વિસ્તારમાં લઇ જવી શકય બની છે. ચીન સાથે જોડાયેલા ફોરવર્ડ વિસ્તારો સુધી જેમ જેમ વધુ રસ્તાઓ બનશે તેમ તેમ ભારે હથિયારોને અન્ય પોસ્ટો પર પહોંચાડવા સરળ બની જશે.

સેનાના સુત્રોનું જાણીએ તો ચીન સેના એલએસી પાસે પોતાના બુનિયાદી માળખા વધારી રહી છે. ભારત તેના પર ચાંપતી નજર રાખી રહ્યું છે. અને એલએસી પર ભારતીય સેનાની સ્થિતી મજબૂત છે. તેમણે જણાવ્યું કે ચીનની પીપલ્સ લીબરેશન આર્મી (પીએલએ) ગયા વર્ષે આ વિસ્તારમાં પોતાના હુસાહસ પર ભારતની પ્રતિક્રિયાની અસર અનુભવી રહી છે. આના લીધે ચીની સેના આ વિસ્તારમાં બુનિયાદી માળખું વધારવા મજબૂર બની છે.

ભારત પૂર્વ લદાખ અને લગભગ ૩૫૦૦ કિલોમીટર લાંબી એલએસી સાથેના અન્ય વિસ્તારોમાં સુરંગો, પુલો, રસ્તાઓ અને અન્ય મહત્વપૂર્ણ બુનિયાદી માળખાના વિકાસમાં ગતિ લાવી રહ્યું છે. તેમણે કહ્યું કે ચીન પૂર્વ લદાખમાં એલએસી પાસે પોતાના વાયુ સેનાના સ્થળો અને વાયુ રક્ષા એકમો પણ વધારી રહ્યું છે. પેંગોંગ સરોવર વિસ્તારમાં હિંસક અથડામણ પછી ગયા વર્ષે પાંચ મે એ બંને દેશોની સેનાઓ વચ્ચે સીમા ગતિરોધ શરૂ થઇ ગયો હતો અને બંને દેશોએ ધીમે ધીમે ભારે હથિયારો સાથે હજારો સૈનિકો તૈનાત કરી દીધા હતા.

(11:55 am IST)