Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

બીજી લહેરનો અંત કે ત્રીજી લહેરના પગરવ ??

હાલ જેવી સ્થિતિ ફેબ્રુ.માં બીજી લહેર પહેલા હતી : ૬ મહિનામાં કોરોનાના સૌથી ઓછા એકટીવ કેસ

નવી દિલ્હી તા. ૨૮ : ભારતમાં ઘટી રહેલા કોરોના કેસથી થોડી રાહત તો મળી છે પણ ત્રીજી લહેરનું જોખમ હજુ ટળ્યું નથી. છ મહિનામાં પહેલીવાર કોરોનાના એકટીવ કેસ ત્રણ લાખથી નીચે આવ્યા છે. ૨૦ રાજ્યો એવા છે જ્યાં ૧૦૦થી વધારે કેસ આવી રહ્યા છે અને ૧૦ રાજ્યો એવા છે જ્યાં ૧૦૦થી ઓછા કેસ જાહેર થાય છે. આ જેટલી ખુશીની વાત છે એટલી જ ચિંતાની પણ છે કેમકે બીજી લહેર આવતા પહેલા ફેબ્રુઆરીમાં પણ કેસોનું ગણિત આવું જ હતું. તે વખતે પણ અડધાથી વધારે કેસ કેરળ અને મહારાષ્ટ્રના જ હતા.

આરોગ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર રવિવારે ભારતમાં કોરોનાના એકટીવ કેસોની સંખ્યા ૨,૯૯,૬૨૦ હતી. ડેટાથી જાણવા મળે છે કે છેલ્લા ૧૯૧ દિવસમાં આ સૌથી ઓછી સંખ્યા છે. રવિવારે દેશમાં ૨૬૦૪૧ નવા કેસ નોંધાયા હતા.

કેરળમાં કોરોના કેસોમાં મોટો ઉછાળો જોવાયા પછી હવે એક અઠવાડિયાથી સતત ઘટાડો થઇ રહ્યો છે. કેરળમાં સૌથી વધારે કેસો નોંધાવા છતાં સક્રિય કેસોની સંખ્યા મે પછીથી સતત ઘટતી જોવા મળી રહી છે. હજુ પણ દેશમાં કુલ સક્રિય કેસોમાંથી ૫૫ ટકા કેસ કેરળમાં જ છે. રવિવારે અહીં ૧.૬૩ લાખ એકટીવ કેસ હતા.

ભારતમાં કોરોનાથી થતા દૈનિક મોતની સંખ્યા હજુ પણ ૨૦૦થી વધારે છે. જેમાં ૬૦ ટકા જેટલા મોત કેરળમાં છે. રવિવારે થયેલા ૨૭૬ નવા મોતમાંથી ૧૬૫ કેરળમાં અને ૩૬ મહારાષ્ટ્રમાં થયા હતા.

(11:53 am IST)