Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુધી માહિતી પહોંચ્યા બાદ એજન્સીઓ સક્રિય બની હોવાની સ્વામીની ટ્વીટ

કચ્છના મુન્દ્રા ડ્રગ્સની માહિતી અમેરિકા દ્વારા મળી હતી? ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીની ટ્વીટ ચર્ચામાં

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૨૮:  મુન્દ્રા અદાણી પોર્ટ ઉપરથી ઝડપાયેલ ૨૧૦૦૦ કરોડના ડ્રગ્સ પ્રકરણમાં હજીયે તપાસ ચાલી રહી છે. તે વચ્ચે ચાર દિવસ પૂર્વે તા.૨૪ સપ્ટે.ના ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કરેલ ટ્વીટ અત્યારે ચર્ચામાં છે.

સ્વામીએ કરેલ ટ્વીટમાં જણાવ્યાનુસાર તાજેતરમાં જ ભારત આવેલ આપણાં મિત્ર રાષ્ટ્રની ગુપ્તચર એજન્સીના વડા દ્વારા મુન્દ્રા અદાણી પોર્ટ ઉપર ૧.૮૦ લાખ કરોડના ડ્રગ્સ અંગે માહિતી અપાઈ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ માહિતી પહોંચી હોવાના પગલે ડ્રગ્સ સંદર્ભે એજન્સીઓએ કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, સુબ્રમણ્યમ સ્વામીએ પોતે કરેલ ટ્વીટમાં વિદેશી ગુપ્તચર એજન્સી વિશે ફોડ પાડ્યો નથી પણ તાજેતરમાં જ અમેરિકાની ગુપ્તચર એજન્સી સીઆઈએના વડા ભારત આવ્યા હતા. એટલે અનુમાન એવું છે કે આ માહિતી અમેરિકા તરફથી મળી હોઈ શકે.

જોકે, આ અટકળો વચ્ચે ભારતીય એજન્સીઓએ અત્યાર સુધી ૨૧૦૦૦ કરોડના ડ્રગ્સ જપ્ત કરીને પ્રકરણમાં ૯ શહેરોમાં તપાસ હાથ ધરી ૯ શખ્સોની ધરપકડ કરી છે. હજીયે ઘનિષ્ઠ તપાસ ચાલુ છે.

(11:50 am IST)