Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

કોવિડ કેસોમાં મોટી રાહત

૨૪ કલાકમાં ૧૮,૭૯૫ લોકો સંક્રમિત : ૧૭૯ના મોત

દેશમાં રિકવરી રેટ ૯૭.૮૦ ટકા નોંધાયો

નવી દિલ્હી તા. ૨૮ : દેશમાં કોરોના વાયરસ સંક્રમણની ત્રીજી લહેરની આશંકાની વચ્ચે ફરી એકવાર કેસોમાં જોરદાર ઘટાડો નોંધાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી ઘટી રહેલા કેસોમાં એકાએક ૬ હજારથી પણ મોટો ઘટાડો નોંધાયો છે. કેરળમાં પણ મહામારીની અસર ઓછી થતી હોય એવું લાગી રહ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં અહીં ૧૧ હજાર લોકો સંક્રમિત થયા છે. તો ગુજરાતમાં ફરી એક વાર સંક્રમણની સંખ્યા ૨૦થી વધુ નોંધાઈ છે.

કેન્દ્રીય આરોગ્ય વિભાગે મંગળવાર સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૮,૭૯૫ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૧૭૯ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૩૬,૯૭,૫૮૧ થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ ૮૭,૦૭,૦૮,૬૩૬ કોરોના વેકસીનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧,૦૨,૨૨,૫૨૫ કોરોના વેકસીનના ડોઝ આપવામાં આવ્યા છે.

કોરોના વાયરસ મહામારી સામે લડીને ભારતમાં ૩ કરોડ ૨૯ લાખ ૫૮ હજાર ૨ લોકો સાજા પણ થઇ ચૂકયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૬,૦૩૦ દર્દીઓ સાજા થયા છે. હાલમાં ૨,૯૨,૨૦૬ એકિટવ કેસ છે. ભારતમાં રિકવરી રેટ ૯૭.૮ ટકા થયો છે. અત્યાર સુધીમાં કુલ ૪,૪૭,૩૭૩ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધીમાં કુલ ૫૬,૫૭,૩૦,૦૩૧ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. સોમવારના ૨૪ કલાકમાં ૧૩,૨૧,૭૮૦ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું.

છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨૧ કેસ નોંધાયા છે. જેની સામે ૩૦ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં કોવિડ-૧૯ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજયમાં કુલ મૃત્યુઆંક ૧૦૦૮૨ છે. રાજયમાં સાજા થવાનો દર ૯૮.૭૬ ટકા છે. રાજયમાં ૨૭મી સપ્ટેમ્બર ૨૦૨૧ની સાંજે ૨૯ જિલ્લા અને ૪ મનપામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી જયારે બાકીના નવા કેસ ફકત ૪ જિલ્લા અને ૪ શહેરમાં નોંધાયા છે, જેમાંથી સુરત શહેરમાં ૩ કેસ, અમદાવાદ શહેરમાં ૬, વલસાડમાં ૫,સુરત શહેરમાં ૩, વડોદરા શહેરમાં ૩, ભાવનગરમાં ૧, ગાંધીનગરમાં ૧, કચ્છમાં ૧, નવસારીમાં ૧ કેસ નોંધાયો છે.

(11:49 am IST)