Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

માત્ર ૧ ટકા વ્યાજ પર આપે છે લોન

બિહારમાં કાર્યરત છે ભિખારીઓની બેંક

લોન-ડીપોઝીટ ખાતા અંગે દર સપ્તાહે બેઠક પણ યોજે છે

પટણા, તા.૨૮: એસબીઆઈ, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, સેન્ટ્રલ બેંક, એચડીએફસી બેંક, એકિસસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક વગેરે. દેશમાં ૪૨ થી વધુ સરકારી અને ખાનગી બેંકો છે. આ ઉપરાંત દ્યણી માઇક્રો ફાઇનાન્સ કંપનીઓ પણ બેંક તરીકે કામ કરી રહી છે. તમારું અને પરિવારના અન્ય સભ્યોનું આમાંની કોઈપણ બેંકમાં ખાતું હશે જ!

પરંતુ શું તમે જાણો છો કે આ બેંકો અને માઇક્રો ફાઇનાન્સ કંપનીઓ સિવાય ભિખારીઓ માટે પણ એક બેંક છે.  તમને આશ્યર્ય થયું ને? હેરાન થવાની વાત નથી, તમે આ બરાબર વાંચ્યું. ભિખારીઓની આ બેંક બિહારના મુઝફ્ફરપુરમાં છે. કેટલાક ભિખારીઓએ તેની શરૂઆત કરી હતી અને હવે તે બેંકની જેમ કામ કરી રહી છે. થાપણો, ઉપાડ, વ્યાજ વગેરેની સાથે આ બેંક તેના સભ્યોને લોન પણ આપે છે.

તમે વિચારતા જ હશો કે, જેમની આજીવિકા અન્ય લોકો પાસેથી ભીખ માંગીને ચાલે છે, તેમના માટે વળી કેવી બેંક ! પરંતુ બિહારના મુઝફ્ફરપુરમાં કેટલાક ભિખારીઓએ આને સ્વ-સહાય જૂથ તરીકે શરૂઆત કરી અને તેનું નામ ભીખારી બેંક રાખ્યું. અહીંના ભિખારીઓ ૫ ગ્રુપ બનાવીને તેને ચલાવી રહ્યા છે.

મુઝફ્ફરપુરના એક સ્થાનિક પત્રકારે અમને કહ્યું કે શહેરમાં આશરે ૧૭૫ ભિખારીઓએ તેમની જરૂરિયાતોને પહોંચી વળવા અને ભવિષ્યની મુશ્કેલીઓથી બચવા માટે બેંકો જેવા પાંચ સ્વાવલંબન જૂથો શરૂ કર્યા છે. તેમના સંકલનની જવાબદારી જિલ્લા સમાજ કલ્યાણ વિભાગની છે.

સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓ આ ભિખારી બેંકોના સંયોજકની ભૂમિકા ભજવી રહ્યા છે. જણાવી દઈએ કે ભીખ નાબૂદી અંતર્ગત રાજય સરકાર દ્વારા સ્વાવલંબન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત મુઝફ્ફરપુર સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓની મદદથી જિલ્લામાં ભિખારીઓના પાંચ સ્વનિર્ભર જૂથોની રચના કરવામાં આવી છે. આ જૂથો બેંકોની જેમ કામ કરે છે.

અત્યારે ૧૭૫ ભિખારીઓ મુઝફ્ફરપુર જિલ્લામાં આ સ્વ-સહાય જૂથો સાથે સંકળયેલા છે, જેમાંથી લગભગ ૭૦ ટકા સભ્યો મહિલા ભિખારી છે. તમામ સભ્યોને ભિક્ષ તેમને આ રકમ પર વ્યાજ પણ મળે છે.

આ બેંકના સભ્યોને જરૂર પડે ત્યારે લોન પણ મળે છે, તે પણ માત્ર એક ટકા વ્યાજ પર. અહેવાલો અનુસાર, આ સ્વ-સહાય જૂથો સાથે સંકળાયેલા જરૂરિયાતમંદ સભ્યોને ત્રણ મહિના માટે ૧ ટકાના દરે લોન આપવામાં આવે છે. લોન અને ડિપોઝિટ ખાતા સંબંધિત સાપ્તાહિક બેઠકોનું પણ આયોજન કરવામાં આવે છે.

સમાજ કલ્યાણ વિભાગ પાસે આને લગતી મોબાઇલ એપ પણ છે, જેમાં ભિક્ષુક સભ્યોનો ડેટા છે. આમાં, ભિખારીઓનું એક જૂથ બનાવવામાં આવે છે અને તેઓ લાવેલા નાણાં તેમના ખાતામાં જમા થાય છે. હાલમાં આવા ૫ જૂથો છે અને સરકારે દરેક જૂથને ૧૦,૦૦૦ રૂપિયાની આત્મનિર્ભરતા રકમ પણ આપી છે, જેથી તેઓ આત્મનિર્ભર બની શકે. કેટલાક ભિખારીઓએ ભીખ માંગવાનું છોડી પોતાની રીતે રેકડી કે લારી લગાવીને નાનો વ્યાપાર પણ શરૂ કર્યો છે.

મુજફ્ફરપુર જિલ્લા સમાજ કલ્યાણ વિભાગના મદદનીશ નિયામક બ્રજ ભૂષણ કુમાર કહે છે કે ભિખારીઓ દ્વારા લેવામાં આવેલી આ પહેલની સફળતા જોઈને રાજય સરકાર પણ તેમની મદદ માટે આગળ આવી છે. જૂથોને આર્થિક સહાય આપવામાં આવી રહી છે.

(10:30 am IST)