Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

યુપીઍસસીની પરીક્ષા ટાળવી અશક્યઃ સુપ્રિમ કોર્ટમાં પરીક્ષા સ્થગિત કરવા માટે થયેલ અરજીની સુનાવણી હાથ ધરાઇ

નવી દિલ્હી: આજે સુપ્રીમ કોર્ટમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) સિવિલ સર્વિસ પ્રી પરીક્ષા-2020ને સ્થગિત કરવાને લઈને દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. UPSCએ કોર્ટમાં કહ્યું કે, તમામ આવશ્યક લૉજિસ્ટિક વ્યવસ્થા થઈ ચૂકી છે અને હવે પરીક્ષા સ્થગિત કરવી અશક્ય છે. જેના પર કોર્ટમાં 3 ન્યાયધીશોની ખંડપીછે કહ્યું કે, તેઓ આ તથ્યને સોગંધનામા સાથે કોર્ટમાં રજૂ કરે.

પરીક્ષા સ્થગિત કરવાની અપીલને લઈને કરાઈ હતી અરજી

ઉલ્લેખનીય છે કે, સિવિલ સર્વિસ એક્ઝામને લઈને 20 ઉમેદવારોએ પરીક્ષા સ્થગિત કરવા માટે અપીલ કરી છે. અરજકર્તાઓનું કહેવું છે કે, કોરોના સંક્રમણના વધતા જતાં પ્રકોપ વચ્ચે પરીક્ષા યોજવી પરીક્ષાર્થિયોના માટે માનસિક અને શારીરિક સુરક્ષા માટે જોખમકારક નીવડી શકે છે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી હોવા છતાં પણ UPSCએ પરીક્ષા કેન્દ્રો વધાર્યા નથી. આજ કારણે ગ્રામીણ વિસ્તારના સેંકડો પરીક્ષાર્થીઓને મજબૂરીવશ 300-400 કિલોમીટરની મુસાફરી કરવી પડશે. પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા દરમિયાન આ પરીક્ષાર્થીઓના સંક્રમિત થવાની આશંકા અનેકઘણી વધી જાય છે.

સમગ્ર દેશના 72 શહેરોમાં 4 ઓક્ટોબરે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે લગભગ સાડા પાંચ લાખ પરીક્ષાર્થીઓ આ પરીક્ષા આપવા બેસવાના છે. અગાઉ આ પરીક્ષા 31-મેના રોજ યોજાવાની હતી, પરંતુ કોરોના વાઈરસના સંક્રમણને ફેલાતું અટકાવવાના ભાગરૂપે લાગૂ કરવામાં આવેલા લૉકડાઉનના પગલે તેને ટાળવામાં આવી હતી.

આ પરીક્ષા મારફતે IAS, IPS, IFS અને રેલવે ગ્રુપ-એ (ઈન્ડિયર રેલવે એકાઉન્ટ્સ સર્વિસ) સહિત અન્ય સેવાઓ માટે યોગ્ય ઉમેદવારોની ભરતી કરવામાં આવે છે.

UPSCએ કોરોના ગાઈડલાઈન જાહેર કરી

UPSCએ કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને ગાઈડલાઈન જાહેર કરી છે. તમામ પરીક્ષાર્થીઓ માટે એક્ઝામમાં માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. ટ્રાન્સપરન્ટ બૉટલોમાં સેનેટાઈઝર લાવી શકાય છે. આ સાથે જ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી કોવિડ ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરવાનું રહેશે.

(5:31 pm IST)