Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

પુલવામામાં બે આતંકી ઠાર : એક જવાનને ઇજા

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોને સફળતા

શ્રીનગર તા. ૨૮ : જમ્મુ કશ્મીરના પુલવામા વિસ્તારમાં આજે સવારે આતંકવાદીઓ અને સિકયોરિટી વચ્ચે અથડામણ થઇ હતી. સિકયોરિટીએ બંનેને ઠાર કર્યા હતા અને તેમની ઓળખ કરાઇ રહી હતી.

જો કે આ અથડામણમાં ભારતીય લશ્કરનો એક જવાન પણ ઇજા પામ્યો હતો. આ જવાનને આતંકવાદીની ગોળી પગમાં વાગી હતી.

સાઉથ કશ્મીરના અવંતિપુરા વિસ્તારના સમ્બુરામાં આતંકવાદી છૂપાયા હોવાની બાતમી મળતાં સિકયોરિટીએ આ વિસ્તારને ઘેરી લઇને તપાસ શરૂ કરી હતી. એ દરમિયાન અકળાઇ ગયેલા આતંકવાદીઓ સિકયોરિટી પર ગોળીબાર કર્યો હતો. સિકયોરિટીએ વળતો ગોળીબાર શરૂ કર્યો હતો. આ અથડામણમાં બંને આતંકવાદી ઠાર થયા હતા. બંને કયા જૂથના હતા અને કોણ હતા એની તપાસ સિકયોરિટીએ ચાલુ કરી હતી.

સિકયોરિટીના એક પ્રવકતાએ કહ્યું હતું કે હવે આતંકવાદીઓ નવા નવા ઉપાયો અજમાવી રહ્યા હતા. શૌચાલયોની નીચે બંકર બનાવીને એમાં આ લોકો છૂપાઇને રહેતા હતા. સિકયોરિટી દળો માનતા હતા કે આતંકવાદીઓ સામે વધેલી તેમની ભીંસ અને વધુ આતંકવાદીઓ ઠાર થવા માંડ્યા એ પછી આતંકવાદી જૂથો સંતાવાના નવા નવા સ્થળો શોધી રહ્યા હતા. એનું એક કારણ એ પણ હોઇ શકે કે સ્થાનિક લોકોની સાથે રહેવામાં આતંકવાદીઓને હવે વધુ જોખમ જણાતું હતું.

જમ્મુ કશ્મીરના પોલીસ વડા દિલબાગ સિંઘે કહ્યું કે જમ્મુ કશ્મીરમાં એવા એક કરતાં વધુ દાખલા મળ્યા જયારે આતંકવાદીઓ શૌચાલયોની નીચે કે સેપ્ટિક ટેંકમાં છૂપાયેલા મળી આવે.

(3:57 pm IST)