Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

દેશમાં સૌ પ્રથમ બંગાળમાં ૧લી ઓકટોબરથી સિનેગૃહો શરૂ

બાકીના ભાગોમાં મલ્ટીપ્લેકસ શરૂ કરવા અનલોક-૫ની રાહ

નવી દિલ્હી, તા.૨૮: કોરોના પ્રેરિત લોકડાઉનના કારણે દેશમાં છેલ્લા છ માસથી ઠપ થઇ ગયેલા સિને પ્રદર્શન ઉદ્યોગમાં આશાનું કિરણ જાગ્યું છે. દેશમાં સર્વપ્રથમ પશ્ચિમ બંગાળે આગામી તા. ૧લી ઓકટોબરથી રાજયમાં સિનેગૃહો શરૂ કરવા પરવાનગી આપી દીધી છે. દેશના બાકીનાં રાજયોના સિને ગૃહ સંચાલકો અને સમગ્ર ફિલ્મ ઉદ્યોગ હવે ટૂંક સમયમાં જારી થનારી અનલોક ૫ની ગાઇડલાઇન્સમાં સિનેગૃહો ચાલુ કરવા  બાબતે મંજૂરી અપાય છે કે કેમ તેની પ્રતીક્ષામાં છે.

પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીએ ખુદ રાજયમાં સિનેગૃહો તા. ૧ાૃક ઓકટોબરથી શરૂ કરવા મંજૂરીની જાહેરાત કરી હતી. જોકે, તેમણે જણાવ્યું  હતું કે સિનેગૃહોને બહુ કડક ધારાધોરણો અને અંકુશો હેઠળ જ સંચાલિત કરી શકાશે. દરેક શોમાં મહત્તમ ૫૦ પ્રેક્ષકોને જ પ્રવેશ આપી શકાશે.

રાજયમાં તા. ૨૨ ઓકટોબરથી દુર્ગા પૂજા મહોત્સવ શરૂ થવાનો છે. તે પહેલાં સિને ગૃહો ચાલુ કરી દેવાની સિને ઉદ્યોગની માગણી રાજય સરકારે સ્વીકારી છે. બીજી તરફ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હજુ સુધી દેશમાં સિનેગૃહોને મંજૂરી બાબતે કોઇ નિર્ણય લીધો નથી. કેટલાંક સમાચાર માધ્યમો તથા સોશિયલ મીડિયાાં આવી મંજૂરીને લગતા અહેવાલો વહેતા થયા હતા જેને મંત્રાલયે રદિયો આપ્યો હતો. દેશના મલ્ટીપ્લેકસ ઓનર્સ એસોસિએશન તથા સિંગલ સ્ક્રિન થિયેટર્સ સંચાલકો છેલ્લા કેટલાય સમયથી મર્યાદિત પ્રવેશ તથા ચકાસણીનાં કડક ધારાધોરણો સાથે સિનેગૃહો ફરી શરૂ કરવા મંજૂરીની માગણી કરી રહ્યા છે. તેમની દલીલ છે કે દિવાળી સિનેમા ઉદ્યોગ માટે વ્યવસાયનો બહુ મહત્વનો સમયગાળો હોય છે. હવે મોલ, રેસ્ટોરાં તથા ઓપન એર થિયેટર્સ પણ ખોલવાની મંજૂરી આપી દેવામાં આવી  છે તો સિને ગૃહોને પણ મર્યાદિત ધોરણે ખોલી શકાય છે.

(3:56 pm IST)