Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

લખનૌના રસ્તાઓ પર ફરી રહ્યા છે ૨૫૦૦ કોરોના દર્દીઓ : હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારી

આરોગ્ય વિભાગે શોધવાના આપ્યા આદેશ

લખનૌ,તા. ૨૮: કોરોના કાળમાં હોસ્પિટલ તંત્રની પણ ઘોર બેદરકારી જાહેર થઇ રહી છે. ખાસ કરીને યુપીની રાજધાની લખનૌમાં જ્યા સ્થિતી એકદમ ભયાનક છે. ત્યાં લગભગ ૨૫૦૦ જેટલા કોરોના દર્દીઓ ગાયબ થઇ ગયા છે. અને હવે શોધવાથી પણ તેઓ નથી મળી રહ્યા. આના કારણે આરોગ્ય વિભાગની ચિંતાઓ વધી ગઇ છે. કેમ કે ગાયબ થયેલા આ કોરોના પોઝીટીવ દર્દીઓથી સંક્રમણની નવી ચેન બનવાનુ જોખમ છે.

જે દર્દીઓ સરકારી અને બિનસરકારી હોસ્પિટલોમાં પોતાનો કોરોના ટેસ્ટ કરાવવા આવ્યા હતા. તેમણે પોતાનું નામ, સરનામુ,આઇડીઅને ફોન નંબર ખોટા લખાવ્યા હતા. તેમના રિપોર્ટ પોઝીટીવ આવ્યો પછી જ્યારે ટ્રેસીંગ ટીમે તેમણે લખાવેલ સરનામા પર સંપર્ક કર્યો ત્યારે તેઓ ત્યાં નહોતા મળ્યા.સંક્રમિતોની સાથે સાથે આરોગ્ય વિભાગે પણ આ મામલામાં ઘોર બેદરકારી દાખવી છે.

નગરનિગમની સાથે આરોગ્ય વિભાગે આ બધા કેસમાં એકવાર પણ આઇડી, સરનામા વગેરેની તપાસ ન કરી નહીંતર આટલી મોટી સંખ્યામાં ગાયબ થયેલા સંક્રમિતો લાખો લોકોના જીવન પર જોખમ ન બનત.

(3:02 pm IST)