Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

ઘરે પાછા આવેલા પ્રવાસી મજૂરોમાંથી એકતૃત્યાંશ યુપીના

લોકડાઉન અને મહામારીના કારણે લટકી પડયા છે પ્રવાસી મજૂરો

પ્રયાગરાજ તા. ૨૮ : કોવિડ મહામારીએ ભારત સહિત દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. ખાસ કરીને પ્રવાસી મજૂરો માટે આ મહામારી આફત બનીને આવી છે. છેલ્લા છ મહિનામાં તેમની આખી દુનિયા બદલાઇ ગઇ છે. રમેશચંદ્ર શ્રીવાસ્તવ આ અસરગ્રસ્તોમાંના એક છે. શ્રીવાસ્તવ જ્યારે ૧૫ વર્ષના હતા ત્યારે અચાનક તેમના પિતાનું મોત થયું હતું. શ્રીવાસ્તવના એક સગા તેમને પ્રયાગરાજના પચદેવડા ગામથી મુંબઇ લઇ આવ્યા હતા. હવે ૪૬ વર્ષના થઇ ચૂકેલ શ્રીવાસ્તવને લોકડાઉનના કારણે લગભગ ત્રણ દાયકા પછી પોતાના ગામ પાછું આવવું પડયું છે. શ્રીવાસ્તવ માટે મુંબઇ પોતાના ગામ જેવું જ હતું અને તેની પાસે ધારાવીના એડ્રેસવાળુ આધાર કાર્ડ પણ છે.

લોકડાઉનના કારણે ઉભી થયેલ મુશ્કેલ પરિસ્થિતિમાં શ્રીવાસ્તવને મદદ કરવા કોઇ આગળ ન આવ્યું. શ્રીવાસ્તવ કહે છે કે જે સગા સાથે હું મુંબઇ ગયો હતો તે મારા વાલી સમાન હતા. તેમ છતાં તેમણે મને બે મહીનાનો પગાર ન આપ્યો. જે ફેકટરીમાં હું કામ કરતો હતો ત્યાં હવે પીપીઇ કીટ બને છે. એટલે મેં જ્યારે ફરીથી મુંબઇ આવવાની ઇચ્છા વ્યકત કરી તો તે સગા દ્વારા મને કોઇ સકારાત્મક પ્રતિકિરયા ન મળી. શ્રીવાસ્તવે ગયા અઠવાડિયે કોઇ પાસેથી ૫૦૦૦ રૂપિયા ઉધાર લઇને પોતાના મોટા દિકરાને પૂણેમાં એક દવા કંપનીમાં કામ કરવા મોકલ્યો છે.

લોકડાઉન પછી રોજગાર બંધ થવાથી પોતાના ગામ પાછા જનારા એક કરોડ પ્રવાસી મજૂરોમાંથી શ્રીવાસ્તવ એક છે. સરકારી આંકડાઓને માનીએ તો પોતાના ગામ પાછા ફરનારા પ્રવાસી મજૂરોમાંથી એક તૃત્યાંશ ઉત્તરપ્રદેશના છે. તેમાંથી ૧,૬૧,૭૯૬ સિધ્ધાર્થનગરના છે ત્યાર પછી બીજા નંબરે ૧,૦૪,૦૦૯ પ્રવાસી મજૂરો સાથે પ્રયાગરાજ આવે છે. દેશમાં લોકડાઉનની જાહેરાતને છ મહીના થઇ ગયા છે. બિઝનેસ સ્ટાન્ડર્ડે પ્રયાગરાજ પાંચ ગામોના બે ડઝનથી પણ વધુ લોકોની પરિસ્થિતિ તપાસી હવે આર્થિક ગતિવિધિઓમાં થોડી તેજી આવ્યા પછી મોટાભાગના પ્રવાસી મજૂરો રોજગાર શોધી રહ્યા છે અથવા પોતાના જૂના નોકરીદાતાના ફોનની રાહ જોઇ રહ્યા છે.

(12:50 pm IST)