Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

દુનિયાના દર પાંચમાંથી બે મા-બાપ તણાવમાં રહે છે : સર્વે

બાળકોના ઓનલાઇન અભ્યાસથી તણાવમાં રહે છે મા-બાપ

નવી દિલ્હી તા. ૨૮ : બાળકોના ઓનલાઇન અભ્યાસના પડકારોના કારણે વાલીઓ અત્યંત તણાવમાં છે. વર્લ્ડ ઇકોનોમી ફોરમના તાજા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે દુનિયા દર પાંચમાંથી બે વાલી પોતાના બાળકોના ઓનલાઇન અભ્યાસના સંસાધનો ભેગા કરવા, ટેકનીકલ જ્ઞાન ન હોવું જેવા કારણોને લીધે ટેન્શનનો સામનો કરી રહ્યા છે. ઘણા બધા વાલીઓ એવી ગ્લાનિ અનુભવી રહ્યા છે કે તેઓ પોતાના બાળકોને યોગ્ય રીતે શિક્ષણ ઉપલબ્ધ નથી કરાવી શકતા.

સર્વેમાં ૭૭ ટકા માતા-પિતાએ જણાવ્યું કે તેઓ પોતાના બાળકોને ઓનલાઇન અભ્યાસમાં ટેકનીકલ સહયોગ આપવા માટે ઓનલાઇન ટુલની મદદ લે છે. ઓનલાઇન વર્ગ દરમિયાન મોબાઇલ અથવા લેપટોપ ખરાબ થવું અથવા ઇન્ટરનેટની ધીમી સ્પીડ જેવી સમસ્યાઓ બાળકોની સાથે વાલીઓની માનસિક સ્થિતિને પણ બહુ અસર કરે છે.

જે ઘરોમાં એકથી વધારે બાળકો છે, ત્યાં વાલીઓની ચિંતા વધી જાય છે. ૩૦ ટકા વાલીઓનું કહેવું છે કે પોતાના બધા બાળકોના લગભગ એક જ સમયે ચાલતા ઓનલાઇન વર્ગ માટે અલગ-અલગ મોબાઇલ અથવા લેપટોપ ઉપલબ્ધ કરાવવા તેમના માટે સૌથી મોટો માથાનો દુખાવો છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે લગભગ એક ચતુર્થાંસ વાલીઓની આર્થિક હાલત બહુ ખરાબ થઇ છે. આવક ઘટવા અથવા નોકરી જવાના લીધે તેઓ ફી પણ નથી ભરી શકતા ત્યારે તેમના માટે ઇન્ટરનેટ અને ઇલેકટ્રોનિકસ ઉપકરણોનો ખર્ચ ઉઠાવવો અને વિજળીનું વધી ગયેલ બીલ ભરવું મુશ્કેલ થઇ ગયું છે. જેના લીધે પણ તેમનો તણાવ વધી રહ્યો છે.

(12:49 pm IST)