Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

કોરોનાકાળમાં ૫૦% લોકોએ ૧ કરોડ કે તેથી વધુની રકમનું વીમા કવચ મેળવ્યું

લોકો પોતાના પરિવારનું નાણાકીય રક્ષણ ઇચ્છે છે

નવી દિલ્હી,તા.૨૮:કોરોના વાયરસની મહામારીના કારણે ઈન્સ્યોરન્સ એટલે કે વીમા અંગેની લોકોની જાગૃતિ વધી છે. આ કારણે હવે લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસી લેનારા ગ્રાહકોમાં વધારો થયો છે. દ્યણાં ગ્રાહકો રૂપિયા ૧ કરોડ અથવા તેનાથી વધુની કિંમતનું વીમા કવર લઈ રહ્યા છે. પોલિસીબઝાર.કોમ દ્વારા એકત્રિત કરવામાં આવેલા આંકડામાંથી આ જાણકારી મળી છે. વીમા માર્કેટપ્લેસે કહ્યું કે એપ્રિલ-ઓગસ્ટ, ૨૦૨૦-૨૦૨૧ દરમિયાન જીવન વીમા પોલિસી લેનારા ગ્રાહકોમાં ૫૦ ટકા લોકોએ રૂપિયા ૧ કરોડ અથવા તેનાથી વધુની રકમનું વીમા કવર લીધું છે. કોરોનાની મહામારી દરમિયાન ઈન્સ્યોરન્સ લેનારા ગ્રાહકો પોતાના પરિવારનું નાણાકીય રક્ષણ ઈચ્છે છે.

પોલિસીબઝાર.કોમે કહ્યું કે રૂપિયા ૧ કરોડ અથવા તેનાથી વધુની કિંમતનું વીમા કવર લેનારા ગ્રાહકોના આંકડાથી એવું જાણવા મળી રહ્યું છે કે એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન ૫૦ ટકા ગ્રાહક એવા રહ્યા કે જેમણે આટલી કિંમતનું કવર લીધું હતું. લોકો ઊંચા કવરવાળી પોલિસીઓમાં રોકાણ કરી રહ્યા છે. પોલિસીબઝાર.કોમનો એવો દાવો છે કે દેશમાં વેચાતી દર ચાર જીવન વીમા પોલિસીમાંથી ૧ તેમના પ્લેટફોર્મ પરથી વેચાતી હોય છે. આ પોલિસીઓ ખૂબ સસ્તી કિંમતમાં ઉપલબ્ધ છે કે જેમાં મહિને રૂપિયા ૧,૦૦૦ વગેરેનો સમાવેશ થાય છે.

પ્રાપ્ત માહિતી મુજબ ૪૨થી ૫૦ વર્ષની ઉંમરના લોકોમાં જીવન વીમા પોલિસીની ખરીદીમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. જેમાં આશરે ૭૭ ટકાનો વધારો થયો છે. જયારે વર્ષ ૨૦૨૦માં જીવન વીમા પોલિસી ખરીદનારા લોકોમાં ૩૦ ટકા હિસ્સો ૩૧થી ૩૫ની ઉંમરના લોકોનો રહ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ૬ મહિનામાં જીવન વીમા બઝારમાં ઘણો બદલાવ આવ્યો છે. હવે વધુમાં વધુ લોકો વીમા પોલિસી ખરીદી રહ્યા છે. લોકો આ સમયે પોતાના પરિવારને નાણાકીયરૂપે રક્ષણ આપવા માગે છે.

(11:39 am IST)