Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

શિક્ષણ સંસ્થાઓ જ નહિ રિઝર્વ બેંક, સરકારી બેંકો અને એલઆઇસીના કર્મચારીઓના પગારમાંથી કાપી પીએમ કેયર ફંડમાં જમા કરાવાયા હતા ૨૦૫ કરોડ રૂપિયા

આરટીઆઇમાં થયો ખુલાસો : પીએમ કેયર ફંડમાં ૩૦૭૬.૬૨ કરોડ જમા થયા હતા

નવી દિલ્હી તા. ૨૮ : પીએમ કેયર ફંડમાં માત્ર કેન્દ્રીય શિક્ષણ સંસ્થાઓ જ નહિ પરંતુ ઓછામાં ઓછી જાહેર ક્ષેત્રની બેંક, સાત અન્ય ટોચની નાણાકીય સંસ્થાઓ, વીમા કંપનીઓ અને રિઝર્વ બેંકે ૨૦૪.૭૫ કરોડ રૂપિયા જમા કરાવ્યા છે. આ બધી રકમ કર્મચારીઓના પગારમાંથી કાપી જમા કરાવવામાં આવી છે. આરટીઆઇમાં આ ખુલાસો થયો છે.

એલઆઇસી, જીઆઇસી અને નેશનલ હાઉસીંગ બેંકે લગભગ ૧૪૪.૫૦ કરોડ આ ફંડમાં આપ્યા છે. ૧૫ સરકારી બેંકો અને અન્ય સંસ્થાઓ દ્વારા કુલ ૩૪૯.૨૫ કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે.

એલઆઇસી તરફથી ૧૧૩.૬૩ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આ રકમ અલગ અલગ શ્રેણી હેઠળ આપવામાં આવી છે. જેમાં ૮.૬૪ કરોડ સ્ટાફના પગારમાંથી, ૧૦૦ કરોડ કોર્પોરેટ કોમ્યુનિકેશન હેઠળ અને ૫ કરોડ ગોલ્ડ જ્યુબેલી ફાઉન્ડેશન હેઠળ અપાયા છે.

રેકોર્ડ મુજબ એલઆઇસીએ ૧૦૦ કરોડની રકમ ૩૧ માર્ચે આપી હતી. જ્યારે પાંચ કરોડનું દાન પણ માર્ચમાં જ આપ્યું હતું.

૭ જાહેર ક્ષેત્રને બેંકો દ્વારા રકમ મોકલવામાં આવી જેમાં એસબીઆઇ પ્રથમ સ્થાને છે. પહેલી ખેપમાં ૧૦૦ કરોડ રૂપિયા ૩૧ માર્ચે આપવામાં આવ્યા હતા. એસબીઆઇ દ્વારા પગારમાંથી કાપી રકમ મોકલવામાં આવી હતી. જ્યારે આરબીઆઇએ ૭.૩૪ કરોડ રૂપિયા આપ્યા હતા.

કોરોના વાયરસના સંકટને ધ્યાનમાં રાખી ૨૮મી માર્ચે આ ફંડની રચના કરવામાં આવી હતી અને ૩૧ માર્ચ સુધીમાં ૩૦૭૬.૬૨ કરોડ રૂપિયા આવી ગયા હતા. વડાપ્રધાન કાર્યાલય તેનું મેનેજમેન્ટ કરે છે.

(11:37 am IST)