Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

વિશ્વમાં સંક્રમિતોનો આંકડો ૩.૩૦ કરોડથી ઉપર ફ્રાંસ અને બ્રિટનમાં ઝડપથી વધી રહ્યા છે કેસ

નવી દિલ્હી તા. ૨૮ : દુનિયામાં રવિવારે કોરોના સંક્રમિતોનો આંકડો ૩.૩૦ કરોડથી ઉપર ગયો છે, જ્યારે મૃતકોની સંખ્યા ૧૦ લાખની નજીક પહોંચીને ૯.૯૯ લાખથી વધારે થઇ ગઇ છે. મહામારીની ઝપટમાં આવેલા ૨.૪૪ કરોડ લોકો સાજા પણ થયા છે. દુનિયામાં અત્યારે ૭૬.૪૯ લાખ સક્રિય કેસો છે. જેમાંથી ૬૫૩૯૩ લોકોની સ્થિતિ અત્યંત ગંભીર છે.

આ બધાની વચ્ચે ફ્રાંસમાં સંક્રમણની બીજી લહેરમાં એક અઠવાડિયાથી સતત ૧૩ હજારથી વધારે નવા કેસો જાહેર થઇ રહ્યા છે. શનિવારે પણ ૧૪ હજાર નવા કેસ જાહેર થયા. સરકાર કડક લોકડાઉન લગાવવા માંગે છે પણ લોકો તેના વિરોધમાં રોડ પર ઉતરી આવ્યા છે. આવી જ સ્થિતિ બ્રિટનની પણ છે, જ્યાં રોજના લગભગ ૪ થી ૫ હજાર નવા કેસો આવી રહ્યા છે, છતાં લોકડાઉનનો વિરોધ કરે છે. એટલું જ નહીં વડાપ્રધાન બોરિસ જોન્સન સંસદમાં પણ વિરોધનો સામનો કરી રહ્યા છે. સાંસદોનું કહેવું છે કે જોન્સને સંસદને વિશ્વાસમાં લીધા વગર પ્રતિબંધાત્મક આદેશો બહાર પાડયા હતા. આના લીધે લોકોમાં સરકાર સામે નારાજગી વધી રહી છે. નેપાળના વડાપ્રધાન કે.પી.શર્મા ઓલીની અંગત ડોકટર દિવ્યાસિંહને સંક્રમણ થયું છે. ડો. દિવ્યાસિંહના સંક્રમિત થયા પછી પી.એમ. ઓલીની પણ તપાસ કરાઇ રહી છે. જો કે ઓલી છેલ્લા બે અઠવાડિયાથી ડો. દિવ્યાને નથી મળ્યા. અમેરિકાના ન્યૂયોર્કમાં પાંચ જૂન પછી પહેલીવાર એક દિવસમાં સંક્રમણના એક હજારથી વધારે નવા કેસો જાહેર થયા હતા. છેલ્લા કેટલાક અઠવાડિયાઓમાં શાળા, કોલેજો અને ધંધાઓ ફરીથી ખુલવાના કારણે કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.

(11:35 am IST)