Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

અબજપતિ ટ્રમ્પે ભર્યો માત્ર ૫૫,૦૦૦નો ઇન્કમટેકસ

ટેકસ ચુકવણાને લઇને ખુલાસો થતાં સમગ્ર અમેરિકામાં મચી ગયો ખળભળાટ

વોશિંગ્ટન તા. ૨૮ : અમેરિકાના રાષ્ટ્રપતિના ચુંટણીના પ્રચાર દરમિયાન રિપબ્લીક પક્ષના ઉમેદવાર અને વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઇન્કમટેક્ષ ચુકવણાને લઇને મોટો ખુલાસો થયો છે. ટ્રમ્પે છેલ્લા ૧૫ વર્ષમાં ૧૦ વર્ષ સુધી તો ટેકસ ચુકવ્યો જ નથી. એટલું જ નહિ તેમણે ૨૦૧૬-૨૦૧૭માં વર્ષમાં માત્ર ૭૫૦ ડોલરનો ટેકસ ચુકવ્યો હતો. આવું એવે વખતે છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ૪૨ કરોડ ડોલરથી વધુ રૂપિયાની કમાણી કરી હતી.

ટ્રમ્પની કુલ સંપત્તિ ૨.૧ અબજ ડોલર છે. કોરોના વાયરસ મહામારીમાં તેમની સંપત્તિમાં ૧ અબજ ડોલરનો ઘટાડો થયો છે. છેલ્લા અનેક વર્ષોથી ટ્રમ્પે પોતાના ટેકસનો રેકોર્ડ જાહેર કર્યો નથી એટલું જ નહિ તેઓ તેને છુપાવવા માટે કાનૂની લડાઇ લડી રહ્યા છે. તેમનું કહેવુ઼ છે કે ટેકસનું ઓડીટ ચાલે છે. ન્યૂયોર્ક ટાઇમ્સના જણાવ્યા પ્રમાણે ટ્રમ્પે પોતાના બિઝનેશ સામ્રાજ્યમાં ટેકસ ઓછો રાખ્યો છે.

ટ્રમ્પે દાવો કર્યો છે કે ૨૦૧૮માં તેમને ૪ કરોડ ૪૪ લાખ ડોલરનું નુકસાન થયું હતું. એ ત્યારે કે જ્યારે એ જ નાણાકીય વર્ષમાં ૪૩ કરોડ ૪૯ લાખ ડોલરની આવક બતાડી હતી. તેમણે ભારે નુકસાન બતાડી ૭.૨૯ ડોલરનો ટેકસ રિફંડ પ્રાપ્ત કર્યું હતું. અને તેને લઇને છેલ્લા એક દાયકાથી તેઓ કાનૂની લડાઇ લડી રહ્યા છે. જો તેમની વિરૂધ્ધ ચુકાદો આવે તો તેમણે ૧૦ કરોડ ડોલર આપવા પડશે.

દરમિયાન ટ્રમ્પે આ ખુલાસાને નકારી કાઢયો છે. તેમણે તેને ફેક ન્યુઝ ગણાવ્યા છે. તેમણે કહ્યું છે કે વાસ્તવમાં મે ટેકસ ભર્યો છે જે તમને ટુંક સમયમાં ટેકસ રિટર્નમાં દેખાશે. લાંબા સમયથી ઓડીટ ચાલી રહ્યું છે. ટ્રમ્પના ખુલાસા આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે આવતીકાલે ડીબેટ થવાની છે. ૩ નવેમ્બરે ચુંટણી છે. આ ખુલાસા બાદ અમેરિકામાં ખળભળાટ મચી ગયો છે. અત્રે એ નોંધનીય છે કે, અમેરિકામાં એક મધ્યમ વર્ગ પરિવાર સરેરાશ ૧૪ હજાર ડોલર ટેકસ ભરે છે. ટ્રમ્પ અબજપતિ છે તેથી તેમના ટેકસને લઇને લોકોને વિશ્વાસ નથી.

(11:29 am IST)